fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાના ૬૯૨ ગામડાઓમાં આશરે ૩૫ લાખ લાભાર્થીઓએ કાનૂની જાગરૂકતાનો લાભ લીધો

રાષ્ટ્રીય કાનૂની સત્તામંડળ, સુપ્રિમ કોર્ટ, નવી દિલ્હીના જસ્ટિસ યુ.યુ.લલીત, એક્ઝિકયુટિવ ચેરમેન, નાલ્સા (સિનિયર જજ, સુપ્રિમ કોર્ટ) તથા જસ્ટિસ અરવિંદકુમાર, ચીફ જસ્ટીસ, ગુજરાત હાઈકોર્ટ એન્ડ પેટ્રન ઈન ચીફ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, હાઈકોર્ટ, અમદાવાદના જસ્ટિસ આર.એમ.છાયા, એક્ઝિકયુટિવ ચેરમેન તથા જસ્ટિસ સોનીયાબેન ગોકાણી, સિનિયર જજ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત તા. ૨/૧૦/૨૦૨૧ થી તા. ૧૪/૧૧/૨૦૨૧ સુધી જુદા- જુદા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાના ૬૯૨ ગામડાઓમાં કુલ ૩ વખત ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો અને તેનો આશરે ૩૫ લાખ લાભાર્થીઓને લાભ મળ્યો હતો. તેમજ આશરે ૯૫૦ જેટલી કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવ્યાં હતાં.

તેમાં આશરે ૧,૨૫,૦૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ કાયદા અંગેની માહિતી આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભાવનગર જિલ્લાની કુલ ૧૧ શાળાઓમાં ચિત્ર, સ્લોગન અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧,૬૬૨ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

રાષ્ટ્રીય મહિલા આયોગ તથા મહિલા એન.જી.ઓ.ના સહયોગથી તા. ૧૦/૧૧/૨૦૨૧ તથા તા. ૧૨/૧૧/૨૦૨૧ ના રોજ મહિલાઓના કાયદાકીય અધિકારો અંગે શિબિર યોજવામાં આવી હતી. ભાવનગર જિલ્લાની દરેક શાળાઓ, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો તેમજ જાહેર જગ્યાઓ કે જ્યાં જાહેર જનતા વધુ એકત્ર થતી હોય તેવા સ્થળોએ સ્ટીકર લગાવવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત ભાવનગર શહેરના મેઈન બજારમાં હજારો માણસો આવે છે. તેવા સ્થળોએ નાન્સા થીમ સોંગ તથા મફત કાનૂની સહાય અંગેની ઓડિયો કલીપ સંભળાવાઈ હતી. તેમજ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બંસી સીટી બસની ટિકિટની પાછળના ભાગે મફત કાનૂની સહાય અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેમાં બંસી સીટી બસના મુખ્ય સંચાલક અને સિનિયર એડવોકેટ શ્રી હરેશભાઈ ડોડિયાનો સારો સહકાર મળ્યો હતો. તેમજ બાલવાટીકા અને અકવાડા લેઈક ખાતે મોટી સંખ્યામાં લોકો તહેવાર દરમ્યાન આવતાં હોય ત્યારે આ દરેક જગ્યાની એન્ટ્રી ટિકિટની પાછળ મફત કાનૂની સહાય અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

જેનાથી ભાવનગર જિલ્લાના હજારો લોકોને જાણકારી મળી હતી. તેમજ તા. ૮/૧૦/૨૦૨૧ ના રોજ મેગા લીગલ સર્વિસ કેમ્પ તથા તા.૧૦/૧૦/૨૦૨૧ ના રોજ પ્રદર્શન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અટલ બિહારી બાજપેયી હોલ, ટાઉન હોલ પાસે, ભાવનગર ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં આશરે ૧,૫૦૫ લોકોએ આ કેમ્પનો તથા આશરે ૭૯૧ લોકોએ પ્રદર્શનનો લાભ લીધો હતો.

તેમજ જિલ્લા અદાલત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુટ કોર્ટ તેમજ મહિલાઓના કાયદા અંગે ડીબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એચ.જે.શેઠ લો કોલેજના આચાર્યશ્રી પંડ્યા સાહેબ તથા જિલ્લા સરકારી વકીલશ્રી વિપુલ દેવમુરારી સાહેબે જહેમત ઉઠાવી હતી.

જેમાં ઘણાં બધાં કાયદાશાખાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ તા.૯/૧૧/૨૦૨૧ ના રોજ ડિસ્ટ્રીકટ કોર્ટ, ભાવનગરથી લીગલ સર્વિસ ડે નિમિત્તે વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રજી ઓકટોબર, ગાંધી જયંતીના દિવસે પ્રભાત ફેરીથી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને ૧૪ મી નવેમ્બરે પ્રભાત ફેરી કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

ઉપરોકત તમામ કાર્યક્રમોમાં ભાવનગરની જનતાએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો. તેમજ ભાવનગરની સરકારી, અર્ધ સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ તથા એન.જી.ઓ., માહિતી ખાતું અને પ્રિન્ટ મિડિયા અને ઈલેકટ્રોનીક મિડિયા વગેરેએ પણ ઉપરોક્ત કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ સહકાર આપ્યો હતો. જેના કારણે ઉપરોકત તમામ કાર્યક્રમો સફળ બન્યાં હતાં. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરના ચેરમેનશ્રી આર.ટી.વચ્છાણી સાહેબ સહયોગ આપનાર તમામ સહયોગીઓ માટે આભારની લાગણી પ્રગટ કરી છે.

Follow Me:

Related Posts