fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાની સ્ત્રી આરોગ્ય કાર્યકરે પોતાના લગ્નની ચોરીમાં પણ પોતાની ફરજ નિષ્ઠાને પ્રાથમિકતા આપી

અમૂક લોકો પોતાના જીવનના મહત્વના પ્રસંગોમાં પણ પોતાની ફરજ બજાવવાની ચૂકતાં નથી. ફરજ તેમના જીવનમાં મહત્વનો અંશ બની ગયો હોય છે. સમાજમાં કર્તવ્યરત આવાં ફરજનિષ્ઠા કર્મચારીઓને લીધે જ રાજ્ય સરકારની અને સમાજની ઉજળી છબી કાયમ રહેતી હોય છે.

આવાં જ એક કર્મચારી છે શીતલબેન વિનુભાઈ મકવાણા… ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નવા લોઈચડા ગામના શીતલબેને પોતાના લગ્નના દિવસે પણ કોરોના રસીકરણ કરીને અનોખી ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દરેકના જીવનમાં લગ્નરૂપી મહત્વપૂર્ણ પ્રસંગ આવતો હોય છે. જીવનમાં એકવાર ભારે ઉમંગ સાથે રંગેચંગે ઉજવાતો આ પ્રસંગ વારંવાર આવતો નથી.

આવાં મહત્વપૂર્ણ પ્રસંગે પણ ફરજને અગ્રેસર ગણતાં ખૂબ ઓછા લોકો‌ હોય છે. શીતલબેને પાનેતર પહેરીને પણ રસીકરણની કામગીરી કરીને એક અનોખી મિસાલ પ્રસ્તુત કરી છે.

જીવનમાં સંજોયેલા સમણાંને સાકાર કરવાં માટેના આ મહત્વપૂર્ણ અવસરે પણ ફરજપરસ્તી ન ચૂકવી તે ખરેખર અભિનંદનને પાત્ર કાર્ય છે.

આરોગ્ય કાર્યકર (FHW) શીતલબેન વિનુભાઈ મકવાણાએ  પોતાના લગ્નનાં દિવસે સોળે શણગાર સજીને વેક્સિનની કામગીરીને મહત્વ આપી સંદેશો આપ્યો હતો કે, આ કોરોના મહામારીથી બચવાનો એક જ ઉપાય વેક્સિન છે. તેથી તમામ લોકોએ કોરોનાનું રસીકરણ કરાવી લેવું જોઈએ.

શીતલબેને પોતાના લગ્નની ચોરીમાં  પિતરાઈ ભાઈ એવાં મકવાણા રાહુલભાઇ શંભુભાઈને રસીનો બીજો ડોઝ આપી પોતાના પ્રસંગ કરતાં ફરજને આગળ રાખી હતી.

ચોરીમાં જ પોતાના પિતરાઈ ભાઈને કોરોનાનો બીજો ડોઝ આપી કર્તવ્ય અને વ્યક્તિગત પ્રસંગ વચ્ચેની સમતુલા જાળવી હતી.

આ અગાઉ શીતલબેને પાલિતાણા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં  સૌથી વધુ વેક્સિન આપવાનો  એવોર્ડ પણ મેળવેલો છે.

આમ, આરોગ્ય વિભાગના કર્મચારીઓની આવી ફરજ નિષ્ઠાને  કારણે કોરોનાને સમાજમાં પ્રસરતો ‌અટકાવી શકાયો છે. શીતલબેનની સાંભળીને શાતા આપે તેવી શીતળતાભરી ફરજનિષ્ઠાને લાખ લાખ સલામ અને વંદન

Follow Me:

Related Posts