ભાવનગર જિલ્લામાં ગૌશાળા તથા પાંજરાપોળોને નિભાવ સહાય આપવા અંગે બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં ગૌશાળા તેમજ પાંજરાપોળોને નિભાવ સહાય આપવામાં આવશે અને ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવની યોજનાની અમલવારી કરવામાં આવશે.
રાજયમાં ગૌવંશના નિભાવ માટે ૪૯૦ કરોડ રૂપિયા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે તેમજ ૫૦ કરોડ રૂપિયાની ફાળવણી ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવ માટે સહાય યોજના માટે ફાળવણી કરવામાં આવી છે આ બન્ને યોજનના અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રી ડી.કે.પારેખ એ જિલ્લા અને તાલુકા કક્ષાની કમિટીની રચના કરી અધિકારીઓ માટે બેઠક બોલાવી હતી.
આ યોજના અમલ માટે રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેકટરશ્રી, સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સભ્ય સચિવ તરીકે નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. જયારે તાલુકા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે તાલુકા મામલતદારશ્રી, સભ્ય તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી, સભ્ય સચિવ તરીકે પશુ ચિકિત્સા અધિકારીશ્રી નો સમાવેશ થાય છે.
પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળા તેમજ પાંજરાપોળમાં રાખવામાં આવતા ગાય ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે પશુ દીઠ રોજના રૂ. ૩૦ ની સહાય આપવામાં આવશે. ગાય ભેંસ સિવાયના અન્ય વર્ગના પશુ માટે આ સહાય મળવાપાત્ર નથી.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રઝળતા ગૌવંશના નિભાવ માટે ગૌવંશ બિનવારસી પશુઓના નિભાવ માટેની સહાય યોજના જાહેર કરાઇ છે. જે અંતગર્ત સ્થાનિક સ્વારાજની સંસ્થાઓ દ્વારા બિનવારસી હાલતમાં રહેલા ગૌવંશને નોંધાયેલી ગૌશાળા કે પાંજરાપોળમાં મુકવામાં આવશે. જેના નિભાવ માટે પણ પશુ દીઠ રૂ. ૩૦ ની સહાય સંસ્થાઓને આપવામાં આવશે. આ બન્ને યોજનામાં સંસ્થાને પશુઓનું રજીસ્ટ્રેશન INAPH પોર્ટલ પર કરવાનું રહેશે.
આ યોજનાની અમલીકરણ માટે મળેવી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.પ્રશાંત જિલોવા અને નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. કે. એચ. બારૈયા તથા ધનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નાયબ પશુપાલન ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments