ભાવનગર જિલ્લામાં ‘ચુનાવ પાઠશાળા’ હેઠળ વિવિધ સ્થળોએ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાયા
આગામી તા. ૭ મે ના રોજ ભાવનગર લોકસભાની બેઠકનું મતદાન થનાર છે. જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુસર ભાવનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.
સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મોટા ચારોડીયા અને ખારડી ગામે શાળાના વિદ્યાર્થીઓએ રેલી કાઢી “મત આપવા જઈશું-પોતાની ફરજ નિભાવીશુ”, “યુવા શક્તિના છે ત્રણ કામ- શિક્ષા, સેવા અને મતદાન”ના સ્લોગન સાથે તેમજ ગારીયાધાર ખાતે બાઈક રેલી કાઢી મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.
વીરડી, અધેવાડા, ભડભીડ, આંબલા, ટાણા, સરતાનપર અને ઘાંઘળી ગામના ગ્રામજનોએ મતદાન અવશ્ય કરવા અંગેના શપથ લેવાની સાથે રામપર ગામે મનરેગા યોજનાના શ્રમીકોએ “હું અવશ્ય મતદાન કરીશ” એ અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. જેસર ગામના ગ્રામજનોએ સિગ્નેચર કેમ્પેઇન થકી મતદાન જાગૃતિનો સંદેશ પુરો પાડ્યો હતો.
ભાવનગર જિલ્લા કલેકટર કચેરી, રાજપરા ખોડીયાર મંદિર સહિતના વિવિધ જગ્યાઓએ નાગરિકોએ, યુવાનોએ સેલ્ફી પોઈન્ટમા ફોટો પડાવી હું અવશ્ય મતદાન કરીશનો પ્રેરક સંદેશ પુરો પાડ્યો હતો.
આ ઉપરાંત ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિઘાનસભા મતદાર વિસ્તારના ઘોઘા તાલુકાના આવન – જાવનના જાહેર સ્થળો જેવા કે, હાટકેશ્વર મંદીર ચોક વિસ્તાર, મામલતદાર કચેરી,તાલુકા પંંચાયત કચેરી, બસ સ્ટેશન, પ્ર્રવેશદ્વાર (એન્ટ્રી પોઇન્ટ તથા એકઝીટ પોઇન્ટ) ૫ર મતદાન તા.૭/૫/૨૦૨૪ ના રોજ અવશ્ય મતદાન કરીએના બેનરો દ્વારા મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.
અત્રે નોંધનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ ચૂંટણી અધિકારીશ્રી આર. એન. ચૌધરીની રાહબરી હેઠળ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
Recent Comments