ભાવનગર જિલ્લામાં સમૂહલગ્ન સમિતિના આયોજકોને તેમજ વિવિધ સમુદાયના લોકોને બાળલગ્ન ન થાય તેની ખાસ કાળજી રાખવા તાકીદ
ભાવનગર જિલ્લામાં તા. ૧૦ મે ૨૦૨૪ ના રોજ અક્ષય તૃતીયા હોવાથી બાળ લગ્ન અટકાવવાના હેતુથી જિલ્લામાં યોજાનાર સમૂહલગ્ન સમિતિના આયોજકોને તેમજ વિવિધ સમુદાયના લોકોને બાળલગ્ન ન થાય તેની ખાસ કાળજી રાખવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ સજાને પાત્ર ગુનો છે અને સામાજીક દૂષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓનાં આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી આવા બાળલગ્નો અટકાવવા જરૂરી છે, તેથી ભાવનગર જિલ્લાના ગામોમાં/શહેરમાં કોઇ વિસ્તાર કે ભાગમાં, મહોલ્લામાં આવા બાળલગ્ન થતા જોવા મળે તો તુરંત આપણી સામાજીક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે નૈતિક ફરજના ભાગરૂપે તેની જાણ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી – ઓફીસ નં. જી-૧, એનેક્ષી બિલ્ડીંગ, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, બહુમાળી ભવન, ભાવનગર ખાતે જાણ કરવાની રહેશે.
માતા-પિતા/વાલી કે સમૂહલગ્ન કરાવનારા આયોજકોને છોકરા-છોકરીની ઉંમરની ખરાઇ કર્યા બાદ જ લગ્ન કરાવવા, નહીંતર જો વ્યક્તિગત કે સમૂહલગ્નમાં આવા કોઇ કિસ્સા જણાઇ આવશે તો વ્યક્તિગત તેમજ આયોજકો સામે બાળલગ્ન ધારા હેઠળ ફરીયાદ દાખલ કરાશે. ભાવનગર જિલ્લામાં જો કોઇ જગ્યાએ બાળલગ્ન જણાઇ આવે તો બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી ફોન નં. ૦૨૭૮-૨૪૨૫૬૦૯, ચાઇલ્ડ હેલ્પ લાઇન નં. ૧૦૯૮, પોલીસ કન્ટ્રોલર નંબર ૧૦૦, અભયમ મહિલા હેલ્પ લાઇન નં. ૧૮૧, જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી ૦૨૭૮-૨૪૨૨૦૭૨ ને જાણ કરવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવે છે.
Recent Comments