ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોથા તબક્કામાં જળ સંચયના ૯૦૦ કામો અંદાજીત રૂ. ૧૫ કરોડના ખર્ચે હાથ ધરાશે
રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ ઉનાળાની સિઝનની શરૂઆતમાં વરસાદી પાણીનો મોટાપાયે સંગ્રહ કરી શકાય તે માટે ચેકડેમ તળાવો ઊંડા કરવાની અને તળાવો અને ખેત તલાવડીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
તેની ચોથી કડીમાં ભાવનગર જીલ્લામાં જળસંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો કરવા માટેની સમીક્ષા બેઠક આજે કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાઇ હતી.
ચોમાસા પહેલા લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો શરૂ કરવા માટે રાજ્ય સરકારા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં હયાત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમનું ડિસીલ્ટીંગ, નુકશાન પામેલ ચેકડેમના રીપેરીંગ, નદીઓના પ્રવાહને રોકતા ગાંડાબાવળ, ઝાડી ઝાંખરા દૂર કરવા વગેરે કામગીરી લોકભાગીદારીથી સ્વૈચ્છીક સંસ્થા, ઉદ્યોગ ગૃહો, ધાર્મિક સંસ્થા અને મનરેગા હેઠળ કામગીરી કરવામાં આવશે.
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ચાલુ છે છતા વિકાસના કાર્યોની ગતી જાળવી રાખી છે. જેના ભાગરૂપે વરસાદરૂપી વરસતા અમૃતને ભગવાનની પ્રસાદી સમજી પાણીના બુંદ-બુંદનો સંગ્રહ થાય તે માટે ભાવનગર જિલ્લામાં તબક્કામાં જળ સંચયના ૯૦૦ કામો અંદાજીત રૂ. ૧૫ કરોડના ખર્ચે હાથ ધરાશે.
આ બેઠકમાં પંચાયત સિંચાઈ વિભાગ કાર્યપાલક ઈજનેર શ્રી ડી.આર.પટેલે જીલ્લામાં હાથ ધરાવનાર વિવિધ જળ સંચયના કામો અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, પાણી પુરવઠાના અધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments