ભાવનગર જિલ્લામાં ‘સુશાસનના પાંચ વર્ષ’ કાર્યક્રમ સંદર્ભે બીજા દિવસે ‘સંવેદનાં દિવસ’ ની ઉજવણી
તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયું છે તે અંતર્ગત આજે ભાવનગર જિલ્લામાં ‘સંવેદનાં દિવસ’ ની ઉજવણી ભાવનગર મહાનગરપાલિકાના કરચલીયા પરાં વોર્ડ ખાતે તેમજ જિલ્લાના તાલુકા સ્થળોએ ‘સેવા સેતુ’ ના પ્રજાલક્ષી કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.
ભાવનગરના કરચલીયા પરાં વોર્ડના શ્રી ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, વિકાસના વહેણથી વંચિત રાજ્યના નાગરિકને વિકાસની ધારામાં સહભાગી બનાવવાનું કાર્ય ‘સેવા સેતુ’ના માધ્યમથી થઇ રહ્યું છે.
તેમણે કહ્યું કે, સેવા સેતુએ પ્રજાની અગવડતાં દૂર કરવાનો બ્રિજ છે. લોકો માટે સગવડતાનું સર્જન થાય, લોકોની હાલાકી ઓછી થાય, લોકોને તેમના ઘર આંગણે જ તમામ સેવાઓ ઉપલબ્ધ થાય તેવાં અભિગમ સાથે તથા લોકોના પ્રશ્નો સ્થળ પર જ ઉકેલાય તેવી સંવેદનશીલતાથી રાજ્યભરમાં સેવા સેતુનું આયોજન આજે કરવામાં આવ્યું છે.
ઘણાં લોકો ભૂતકાળમાં શાશનમાં હતાં તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, તેમણે સત્તાને શાશન કરવાનું માધ્યમ બનાવીને પ્રજાની સેવા ન કરી પરંતુ વર્તમાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની સરકારે તેમના કાર્યકાળના પાંચ વર્ષ પૂરાં થવાની કોઇ ઉજવણી કરવાને બદલે તેઓએ આ પાંચ વર્ષમાં કરેલાં કાર્યોનું સરવૈયું લઇને પ્રજાની વચ્ચે લઇને આવ્યાં છે. આ સરકારની પારદર્શકતા છે, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા છે.
તેમણે કહ્યું કે, ભૂતકાળમાં વચેટીયાઓ ખાઇ જતાં હતાં અને પ્રજાના હાથમાં હતાષા, નિરાશા સિવાય કંઇ હાથ લાગતું નહોતું તેના બદલે આજે રાજ્યમાં શોષણના છીંડા શોધી-શોધીને પૂરીને પ્રજાને પારદર્શક અને વિકાસલક્ષી વ્યવસ્થા પૂરી પાડી લોકોને વિકાસની અનુભૂતિ આ સરકારે કરાવી છે.
કૃષિ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સરકારે સૂઝ-બૂઝ પૂર્વકની વ્યવસ્થા અને સુગ્રથિત આયોજનથી રાજ્યના વિકાસના તમામ દ્વાર ખોલી પ્રજા કલ્યાણને અગ્રતા આપી છે. રાજ્યની સુગ્રથિત વિકાસની નોંધ સમગ્ર દેશ લઇ રહ્યો છે. અન્ય રાજ્યના લોકો ગુજરાતનો વિકાસ જોવાં માટે આવે છે અને તેનું અનુકરણ કરે છે.
રાજ્યની નીતિઓને કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ આવ્યું છે. આ મૂડીરોકાણને લીધે નવાં ઉદ્યોગો રાજ્યમાં સ્થપાયાં છે. જેના લીધે રાજ્યમાં રોજગારી વધી છે. છેલ્લાં ઘણાં સમયથી રોજગારી આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
તેમણે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને જન્મદિવસની વધાઇ આપતાં કહ્યું કે, પહેલાં રાજ્યમાં ચીલાંચાલું ખેતી થતી હતી. પરંતુ વર્તમાન સરકારની કૃષિ વિષયક વૈજ્ઞાનિક અભિગમ અને નવીન પધ્ધતિઓને કારણે રાજ્યમાં કૃષિ વિસ્તારમાં વૃધ્ધિ થવાં સાથે રાજ્યનો ખેડૂત આંતરરાષ્ટ્રીય હરીફાઇમાં ટકી શકે તેવું ગુણવત્તાસભર ઉત્પાદન કરતો થયો છે.
તેમણે કહ્યું કે, શ્રી વિજયભાઇના નેતૃત્વમાં રાજ્ય સરકારે સમાજજીવનના તમામ ક્ષેત્રોમાં નવી ઉંચાઇ હાંસલ કરી છે. આ ઉંચાઇ લોકોના વિશ્વાસના બળે મેળવી છે. પ્રજાના પૈસે- પૈસાનો સૂચારું ઉપયોગ કરીને જનતાની સેવા માટે અનેક યોજનાઓ તથા સેવાઓની શરૂઆત કરી છે.
મંત્રીશ્રીએ શિક્ષણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અશિક્ષિત હોવું તે આજના જમાનામાં અભિષાપરૂપ છે તેને પારખીને ગઇકાલે જ જ્ઞાનસેતુ દિવસની ઉજવણી કરીને શિક્ષણનો વ્યાપ વધારવાં માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને કન્યા કેળવણી જેવાં અભિયાનો દ્વારા સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શિક્ષિત સમૂહના સુનિશ્ચિત શક્તિના ઉપયોગથી જ નિશ્ચિત લક્ષ્યાંકો સિધ્ધ કરી શકાય છે. બે દાયકાથી પ્રજ્જલિત કરેલી શિક્ષણની જ્યોતથી મંજાયેલી સારસ્વત પેઢી જ દેશને નવી દિશા બતાવી શકે.
મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયાએ જણાવ્યું કે, સેવા સેતુ દ્વારા લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ આવે છે તે આનંદની વાત છે. લોકોને તેમના પ્રશ્નોના ઘરઆંગણે જ ઉકેલ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
મંત્રીશ્રીએ ૧૩ વિભાગોમાં અપાઇ રહેલી ૫૭ પ્રકારની સેવાઓનું જાતે નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને એજ્યુકેશન કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ૫ તબક્કામાં ૧૨,૫૦૦ કાર્યક્રમો દ્વારા ૨ કરોડથી વધુ લોકોએ સેવા સેતુ કાર્યક્રમોનો લાભ મેળવ્યો છે. સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ૯૯.૮૧ ટકા અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે.
આજે યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષિ, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, જનધન યોજનાના લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજના, કોવિડ-૧૯ મહામારીનાં સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય માટેની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમોમાં ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળીયા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, કલેકટરશ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. પ્રશાંત જિલાણી, ભાવનગર યુનિવર્સિટીના કુલ સચિવશ્રી કૌશિકભાઈ ભટ્ટ,પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીન,પદાધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. આ સેવા સેતુ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઇ ધામેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળીયા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, કલેકટરશ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. પ્રશાંત જિલાણી, પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, નાગરિકો હાજર રહ્યાં હતાં
Recent Comments