fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ‘હેન્ડ વોશિંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા. ૧૫ ઓકટોબર, ૨૦૨૨ ના રોજ “ગ્લોબલ હેલ્થ વોશીંગ ડે-૨૦૨૨ –” યુનાઇટ ફોર યુનિવર્સલ હેન્ડ હાઇજીન ” થીમ અમલીકૃત થાય એ હેતુથી  “ગ્લોબલ હેલ્થ વોશીંગ ડે-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને સરકાર હસ્તકની હોસ્પિટલોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપી સ્વચ્છતાને અમલમાં મૂકવા માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

        જે અંતર્ગત આજ રોજ  જિલ્લાની ૩૨૩ સરકારી અને ખાનગી શાળામાં ‘હેન્ડ વોશિંગ ટેકનિક’નું ૫,૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

        આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચંદ્રમણી પ્રસાદે જણાવ્યું કે, નાના બાળકો ખાસ કરીને વિદ્યાર્થીઓને હાથ ધોવા વિશેની પૂરતી જાણકારી ન હોવાને કારણે હાથમાં લાગેલાં જીવાણું અને સૂક્ષ્મ જંતુઓ મોં વાટે સીધેસીધા હાથ દ્વારા પેટમાં જાય છે અને તેને લીધે બાળકોમાં જાતજાતના વાયરસને કારણે ભાતભાતના રોગ થતાં હોય છે.

        જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારીશ્રી ડો.મનસ્વીની માલવીયાના માર્ગદર્શન નીચે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લાની ૩૨૩ સરકારી અને ખાનગી શાળામાં હાથ ધોવાની ૬ તબક્કાઓની વૈજ્ઞાનિક પદ્ધતિનું નિદર્શન તેમજ રંગોલી, પોસ્ટર બનાવી સમજ આપવામાં આવી હતી અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

        ડો.મનસ્વીનીબેને આ અંગે જણાવ્યું કે, જિલ્લા કક્ષાએ જિલ્લાના અધિકારી/કર્મચારીઓની હાજરીમાં ‘હેન્ડ વોશીંગ ડે’ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.પી.વી.રેવર દ્વારા ‘ગ્લોબલ હેન્ડ વોશીંગ ડે’ – શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

        હાથ ધોવાની સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી વિવિધ ચેપમાંથી મુક્તિ મળશે અને તંદુરસ્ત વાતાવરણનું સર્જન થશે. જિલ્લામાં આરોગ્યની વિવિધ ટીમો બનાવીને જિલ્લાની વિવિધ શાળાઓમાં ‘હેન્ડ વોશિંગ’ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.

        નાનપણથી જ બાળકોને બહાર કોઇપણ જગ્યાએ અડકવાથી કે કોઈ વસ્તુને સ્પર્શ કરવાથી લાગેલાં આ સૂક્ષ્મ જીવાણુઓથી મુક્તિ મળે તે માટે યોગ્ય રીતે હાથ ધોવા વિશેની રીતો અંગે જાણકારી આપવી જરૂરી છે. જેથી તેઓની આરોગ્ય સ્વચ્છતા જાળવવા સાથે વિવિધ રોગોમાંથી મુક્તિ મળી શકે.

        આ અંતર્ગત શાળાના બાળકોને “સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા, સ્વચ્છતા ત્યાં પ્રભૂતા” ના સૂત્રને ચરિતાર્થ કરતાં હાથ ધોવાની અગત્યતા સમજાવવા આવી હતી.

જિલ્લા આરોગ્ય તંત્રના ડો.ધવલભાઇ દવે અને જિલ્લા અને તાલુકાના નોડલ કોમ્યુનીટી હેલ્થ ઓફીસરોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

        શાળાના બાળકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક હેન્ડ વોશિંગ પધ્ધતિ શીખવા માટે રસ લીધો હતો. આ સાથે વિવિધ શાળાના શિક્ષકગણે પણ આ પ્રવૃત્તિમાં રસપૂર્વક જોડાઈને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાના સંસ્કાર વિદ્યાર્થીકાળથી જ કેળવાય તે માટે જરૂરી સાથ-સહકાર આપ્યો હતો.

Follow Me:

Related Posts