ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જીવલેણ માર્ગ અકસ્માતમાં માનવ જિંદગી બચાવનારાઓનું સન્માન કરાયું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના પીડિતોને મદદરૂપ થવા માટે લોકો વિના સંકોચે આગળ આવતા થાય તે માટે ‘ગુડ સમારીટન એવોર્ડ’ યોજના અમલી બનાવી છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી વેબસાઇટ અને ‘ગુડ સમારીટન એવોર્ડ’ યોજનાને રાજ્યવ્યાપી રિ-લોંચ પણ કરવામાં આવી છે.
આ અવસરે ભાવનગર જિલ્લા આર.ટી.ઓ અને પોલિસ વિભાગ દ્વારા આયોજીત “ગુડ સમારીટન” વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી ડી.કે.પારેખની અધ્યક્ષતામાં તેમજ ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા અને તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ પરમાર અને મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગ અકસ્માતો ઘટાડી શકાય છે. અકસ્માત થયાના એક કલાકને “ગોલ્ડન અવર” કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર મળી રહે તો બચવાની શક્યતાઓ વધુ રહે છે. તેથી સૌને નમ્ર અપીલ કરી હતી કે આપણી આસપાસ કે નજર સમક્ષ રોડ અકસ્માત થાય તો ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પણે એક કલાકની અંદર તેને સારવાર મળે એ રીતે તેને હોસ્પિટલ પહોચાડવું કે ૧૦૮ને જાણ કરી મદદગાર બની “ગુડ સમારીટન” બનવું જોઇએ.
મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયાએ રોડ અકસ્માતમાં ઇજા પામતા લોકોની મદદ કરવા માટે આગળ આવે અને ખચકાયા વગર અકસ્માત થયેલને મદદરૂપ બને, તે માટે “ગુડ સમારીટન એવોર્ડ’’ વિશે બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય અને લોકો વધુ માહિતગાર થાય તેવી અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવીન્દ્ર પટેલે માર્ગ સલામતી અને ગુડ સમારીટન અંગે વિસ્તારે માહિતી આપી હતી તેમજ રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત લોકોને મદદરૂપ થનાર વ્યક્તિ એટલે ગુડ સમારીટનને શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વર્ચુયલ માધ્યમથી જોડાઈને રાજ્યકક્ષાના ગુડ સમારીટન યોજનાના રીલોન્ચિંગ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો. જિલ્લાના પાંચ “ગુડ સમારીટન” ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.” ગુડ સમારીટન”એ પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. ઇન્સ્પેકટરશ્રી દિલીપ યાદવ, ટ્રાફિક પી.આઈ.શ્રી રવીન્દ્ર ઠાકોર તેમજ સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——
- ભાવનગર “ગુડ સમારીટન” ની યાદી
અકસ્માત થયાના એક કલાક ગોલ્ડન અવર દરમિયાન ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર અપાવનાર ભાવનગરના પાંચ “ગુડ સમારીટન” એ લોકોના જીવ બચાવવાનું કાર્ય કર્યું છે.
1) ડો. અજયસિંહ જાડેજા,ભાવનગર શહેર ટ્રાફીક ટ્રેઈનર
2) શ્રી હનુમંતસિંહ ચુડાસમા-ભાવનગર
3) શ્રી જયદેવભાઈ ધરમશીભાઈ, ટ્રાફીક શાખા હેડ કોન્સ્ટેબલ
4) શ્રી ભરતસિંહ નટવરસિંહ ટ્રાફીક શાખા એ.એસ.આઈ
5) શ્રી ભૂપતભાઈ સાટીયા, સામાજીક કાર્યકર્તા ભાવનગર
——
બોક્સ મેટર –
- ગુડ સમારીટન એવોર્ડ યોજના શું છે?
માર્ગ અકસ્માતના પીડિતોને મદદરૂપ થવા માટે લોકો વિના સંકોચે આગળ આવતા થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત સરકારે ‘ગુડ સમારીટન એવોર્ડ યોજના’ અમલી બનાવી છે. જીવલેણ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને પ્રથમ કલાક એટલે કે ગોલ્ડન અવરમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદરૂપ થનાર વ્યક્તિને આ યોજનામાં રૂપિયા રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે.
Recent Comments