ભાવનગર તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ૫૩મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં ભાવનગર – રામવાડી ખાતે યોજાઇ ગઇ
ભાવનગર તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ૫૩મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં ભાવનગર – રામવાડી ખાતે યોજાઇ ગઇ. તેમાં સુરતના સર્જક નર્મદને યાદ કરીને મંડળી મળવાથી થતાં લાભની ૧૮૬૦ના દાયકાની ઉપરોક્ત વાતને યાદ કરાઇ હતી.
મંડળીના પ્રમુખ શ્રી પરબતસિંહ સરવૈયાના અધ્યક્ષપણાં હેઠળ યોજાયેલ આ સાધારણ સભામાં બહોળી સંખ્યામાં ભાવનગર તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સભામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોહિલે પોતાની આગવી છટામાં મંડળીના લાભો, સંગઠનના ફાયદા સાથે રમૂજી દાખલા – પ્રસંગોથી શિક્ષકોને કેટલીક હળવી વાતો થકી બહુ ગંભીર બાબતો તરફ અંગુલિનિર્દેશ કરેલ. ઘણાં વર્ષો પછી શિક્ષકોએ માજી પ્રમુખને મન ભરીને માણ્યા હતા.
ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મધુકરભાઇ ઓઝાએ મંડળી શિક્ષકો માટે સંકટ સમયના સાથી તરીકે કેવી રીતે કામમાં આવે છે તે વાત કરીને પોતાના કાર્યકાળને પણ વાગોળ્યો હતો.
આ પ્રસંગે ભાવનગર તાલુકામાંથી આ વર્ષે નિવૃત્ત થયેલ બાર શિક્ષકોની શાલ, મોમેન્ટો તથા ભગવદ્ ગીતાથી નિવૃત્તિ વંદના કરાઇ હતી. તેમજ સભાસદ શિક્ષકોના દસમા અને બારમા ધોરણમાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયેલ બત્રીસ જેટલાં તેજસ્વી સંતાનોને પુરસ્કારોથી નવાજવામાં આવ્યાં હતાં.
આ સભામાં જિલ્લા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી વિજયભાઇ આહિર, મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી, ટી.પી.ઇ.ઓ. શ્રી વિરલભાઇ વ્યાસ, એચ. ટાટ જિલ્લા પ્રમુખ અને ઇન. કે.નિ. શ્રી ધ્રુવભાઇ દેસાઇ, તાલુકા શિ. સંઘ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, મંત્રી શ્રી નવઘણભાઇ મકવાણા, તાલુકા શૈ. સંઘ પ્રમુખ શ્રી રમેશભાઇ પંડ્યા, મંત્રી શ્રી અશોકભાઇ વેગડ તેમજ તાલુકાની બાર કેન્દ્રવર્તી શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બનેલ. મંડળીના ઉપપ્રમુખ શ્રી લાલજીભાઇ રાઠોડ અને સેક્રેટરી શ્રી જિજ્ઞાબેન મહેતાએ સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઇ સરવૈયાએ કરેલ.
Recent Comments