fbpx
ગુજરાત

ભાવનગર શહેરના કપરા વિસ્તારમાં માતા-પુત્ર સહિત છ જણે એક યુવાન ઉપર હુમલો કર્યો

શહેરના ક.પરા વિસ્તારમાં જૂની અદાવતની દાઝ રાખી માતા-પુત્ર સહિત છ જણે એક યુવાન ઉપર હથિયારોથી હુમલો કર્યો હતો. આ મારામારી દરમિયાન બચાવવા વચ્ચે પડેલા યુવાનના મિત્રની માતાને પણ માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. મોડીરાત્રે થયેલી ધમાલની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. ઘટના સંદર્ભે મળતી વિગત અનુસાર શહેરના કણબીવાડ, નાની સડક, લેઉવા પટેલની વાડીની પાછળ રહેતા સમીરભાઈ ભરતભાઈ મકવાણા (ઉ.વ.૨૧)ને ચાર-પાંચ માસ પહેલા કુમાર અને રાજન નામના શખ્સો સાથે માથાકૂટ થઈ હતી.

તે બાબતની દાઝ રાખીે મોડી રાત્રિના સમયે સમીરભાઈ તેમના મિત્ર રૂત્વિક ઉર્ફે બાબા વેગડના ઘરે ક.પરા, ઘંટીવાળા ખાંચામાં, કુંભારના ડેલા ખાતે ગયા હતા. ત્યારે પ્રથમ કુમાર ઉર્ફે કાંચો (રહે, ગજ્જરનો ચોક), રાજન રસિકભાઈ ચૌહાણ (રહે, વાઘેલા ફળી, ક.પરા), નિખીલ ઉર્ફે તીખો (રહે, બાલાભગતનો ચોક)એ લોખંડની ટોમી, ધોકો, છરી લઈ આવી સમીરભાઈ સાથે મારામારી કરી ઈજા પહોંચાડી હતી. થોડીવાર બાદ વિજય ઉર્ફે કાબરો શામજીભાઈ ચૌહાણ (રહે, મામાકોઠા રોડ), કુલદીપ ઉર્ફે ગોળિયો એ લોખંડના પાઈપ અને કુમારની માતા ગીતાબેન મેર (રહે, ભાવનગર)એ હાથમાં મરચાની ભુક્કી રાખી આવી સમીરભાઈને માર મારવાનું શરૂ કર્યું હતું.

જેથી તેમને બચાવવા માટે મિત્ર રૂત્વિક ઉર્ફે બાબા વેગડના માતા ધનીબેન દોડી આવતા તેમને પણ પાઈના ઘા ઝીંકી ઈજા પહોંચાડવામાં આવી હતી. આ મારામારીની ઘટનામાં ઈજા પામેલા મહિલા અને યુવાનને સારવાર માટે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સમીરભાઈ મકવાણાએ કુમાર ઉર્ફે કાંચો, રાજન ચૌહાણ, નિખીલ ઉર્ફે તીખો, વિજય ઉર્ફે કાબરો ચૌહાણ, કુલદીપ ઉર્ફે ગોળિયો અને ગીતાબેન મેર સામે ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૧૧૭ (ર), ૧૧૮ (૧), ૩૫૧ (ર), ૩૫૨, ૫૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts