ભાવનગર શિશુવિહાર સંસ્થામાં ‘સુખ અને આનંદ’ પરિસંવાદ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા દ્વારા ‘સુખ અને આનંદ’ પરિસંવાદમાં મહાનુભાવોનાં વક્તવ્યોમાં સૌએ મોજ માણી. અહીંયા સમાપન ઉદ્બોધન કરતાં શ્રી વિશાલ ભાદાણીએ કહ્યું કે, હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ છે. ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદમાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો દ્વારા વ્યક્તિગત નિચોડ રૂપે ચિંતન સભર અનુભવ જાણવાં મળ્યાં અને સૌએ અહીંયા મોજ માણી છે. પરિસંવાદ સમાપનમાં મુખ્ય વક્તા રહેલ લોકભારતી વિશ્વવિદ્યાલયનાં શ્રી વિશાલ ભાદાણીએ પોતાની મૂક્ત જીવનશૈલીનો ઉલ્લેખ કરી પોતે મોજમાં રહ્યાનું જણાવી આનંદ અને સુખ માટે વૈશ્વિક વિચારો પ્રકાશનો સાથે તાજેતરમાં દુનિયામાં ચાલતી યુધ્ધ સ્થિતિ અંગે સંવેદના ટકોર કરી કહ્યું કે મારી ચામડીનો વિસ્તાર થાય એટલે કે હું તરીકે સમાજમાં ફેલાય ત્યારે સુખ બાદ આનંદ પ્રાપ્ત થાય છે. સારરૂપ વાત કરતાં કહ્યું કે, હાથ પગ હલાવતાં મળે તે સુખ અને તે સ્થિર થતાં જે પ્રસન્નભાવ મળે તે આનંદ છે.
સુખ અને આનંદ વિશે સ્વાનુભવો વ્યક્ત કરતાં મહાનુભાવોમાં પર્યાવરણ નિષ્ણાંત શ્રી ઈન્દ્રભાઈ ગઢવીએ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે વ્યવસાય અને શોખ બંને પોતાને મળ્યું છે. ભૌતિક સુવિધાથી સુખ મળે છે. પોતાને શોખ પૂરો કરવાની તક મળી તે આનંદ છે તેમ ઉમેર્યું. શ્રી નંદકુંવરબા મહિલા વિદ્યાલયનાં શ્રી રવીન્દ્રસિંહ સરવૈયાએ કહ્યું કે, સુખમાં ભૌતિક એ ક્ષણિક છે, આધ્યાત્મિક એ શાશ્વત છે. એક બીજાને વહેંચતાં રહેવામાં પોતાને આનંદ મળી રહ્યાનું જણાવ્યું. પત્રકાર શ્રી જયેશ દવેએ સુખ અને આનંદ માટે ભૌતિકવાદ સાથે અધ્યાત્મને જોડવાં વાત કરી આપણો મૂળ સ્વભાવ તો આનંદનો જ હોવાનું કહ્યું. પરિસંવાદમાં શ્રી નિર્મોહીબહેન ભટ્ટે પોતાની કાર્યશૈલી સાથે વાત કારી કે, બધું મળ્યાં પછી, બધાં સાથે તાદાત્મ્ય સાધીને જે પ્રાપ્ત થાય તે આનંદ રહેલો છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં અગ્રણી શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા તો પોતાનાં જન્મથી જ આનંદ રહ્યાનું જણાવી શ્રી નાનાભાઈ ભટ્ટ તથા શ્રી અજવાળીબા પાસે ખોળામાં રમવાનો લ્હાવો લીધાનું જણાવી વિજ્ઞાન અને જ્ઞાન સાથે ખેતીવાડી ઉદ્યોગ અને સંસ્થાઓનાં અનુભવો વર્ણવ્યાં. અહીંયા તબીબ શ્રી મહેક મહેતાએ પોતાનાં માતાનાં આલિંગનની અનુભૂતિ સાથે પરિવારને લોહી નહિ પરંતુ હૈયાનાં સંબંધની વ્યાખ્યામાં સાંકળી મૂળ તત્વ તરફની યાત્રા એ જ આનંદ ગણાવી પોતાની અધ્યાત્મ અનુભૂતિ વર્ણવી. આ પ્રસંગે માનવ જ્યોત સંસ્થા મુંબઈ પ્રકાશિત ‘ગુજરાતનાં વૃદ્ધાશ્રમો’ માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું. પરિસંવાદમાં કેન્દ્રમાં રહેલ ‘યાત્રા : સુખ અને આનંદની’ નાં લેખક શ્રી પ્રવીણચંદ્ર ઠક્કર અને શ્રી શ્વેતાબેન જોષી દ્વારા વાચકોને નવી ઊર્જા મળ્યાનો સાનંદ ઉલ્લેખ થયો.
આ પ્રકાશન વિશે શ્રી શ્વેતાબેન જોષીએ વાત કરતાં કહ્યું કે, ઈશ્વરનાં સ્રોત આનંદ સૌનાં પર વહેતો રહે તેવી લાગણી છે. આ ઉપક્રમનાં અગ્રણી શ્રી પ્રવીણચંદ્ર ઠક્કરે પોતાનાં, શ્રી માનભાઈ ભટ્ટ તેમજ શ્રી મનુભાઈ પંચોળીનાં જન્મદિવસ સાથે જોડાયેલાં હોવાનો તેમજ પર્યુષણ પર્વ અંગે આનંદ વ્યક્ત કરી પ્રકાશન અંગે વાત કરી. તેઓએ આત્મા તથા પરમાત્મા કેવા હશે ? આમ કહી મન, બુધ્ધિ અને આત્માનાં જોડાણથી આનંદ અને સંતોષ વિશે ઉમેર્યું કે, આનંદ માટે સ્વઅધ્યયન જરૂરી છે. શિશુવિહાર સંસ્થાનાં મોભી શ્રી નાનકભાઈ ભટ્ટે અહીંયાની ભૂમિ નિજાનંદની ગણાવી શ્રી માનભાઈ ભટ્ટનાં સંવેદના શિક્ષણ અને જણાવી આ કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કર્યો. પ્રારંભમાં શ્રી દેવચંદભાઈ સાવલિયાએ સૌ મહાનુભાવોને મહેમાન નહિ પણ પરિવારનાં જ સભ્યો હોવાનું જણાવી આવકાર આપ્યો અને અહીંના પ્રકાશન તથા તે માટે શ્રી કુલીનભાઈ લોટિયાનાં સહકાર વિશે માહિતી આપી. શ્રી જસ્મીનબેન મહેતા દ્વારા પ્રાર્થના ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી…’ ગાન સાથે પરિસંવાદ પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી પ્રવીણભાઈ ઠક્કરનાં જન્મદિવસ પ્રસંગે શ્રી રાજુભાઈ દવે દ્વારા શુભેચ્છા ભેટ અર્પણ કરવામાં આવેલ. સંચાલનમાં શ્રી નરેન્દ્રભાઈ ધામેલિયા રહ્યાં હતાં. આભારવિધિ શ્રી પ્રવિણાબેન વાઘાણી દ્વારા કરવામાં આવી. સંકલનમાં શ્રી જયશ્રી બેન સાવલિયા સાથે શિશુવિહાર પરિવાર રહેલ.
Recent Comments