કોરોનાકાળમાં પોતાના જીવને જાેખમમાં નાખી દર્દીઓની સેવા કરનારા ભાવનગર સર ટી. હોસ્પિટલના સ્ટાફ નર્સ ફીક્સ પેના ૭૫ કર્મચારીઓનો છેલ્લા ૬ મહિનાથી પગાર થયો જ નથી. આ અંગે કર્મચારીઓ દ્વારા ભાવનગર કલેક્ટર, સર ટી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તથા ગાંધનગર રૂબરૂ રજુઆત કરેલી તેમજ મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી સહિત ૭ ઉચ્ચ કક્ષાએ ૭ અરજીઓ કરવા છતાં દિન સુધી પગાર નહી થયો નથી. તંત્ર દ્વારા તેમની ફાઈલ નાણાંમંત્રાલયમાં અટકી હોવાનું જણાવતા ત્યાં પણ લેખિત રજુઆત કરી છે.
પગાર નહી થવાને લીધે આ કર્મચારીઓ આર્થિક પ્રશ્નોનો સામનો કરી રહ્યાં છે. સ્ટાફ નર્સમાં ઘણાં એવા કર્મચારીઓ છે જેના પગારથી જ તેમનો ઘર ખર્ચ ચાલે છે. પરંતુ પગાર નહી થવાને લીધે મિત્રો સાગાઓ પાસેથી ઉછિના લઈને ઘર ચલાવી રહ્યાં છે. આ ૭૫ સ્ટાફ નર્સમાંથી ૩૪ હાલ છેલ્લી ભરતીની પરિક્ષા પાસ કરીને નિમણૂંક પામ્યા છે પરંતુ હજુ સુધી તેઓએ પહેલો પગાર ભાળ્યો નથી જેથી તેમના પરિવારના સભ્યો પણ તેમને સરકારી નોકરી મળી તે બાબતે શંકા કરી રહ્યાં છે. છેલ્લે ઓક્ટોબર મહિનાના બાદ સ્ટાફ નર્સનો પગાર થયો જ નહી હોવાથી અનેક જગ્યાએ રજુઆતો કરી છે પરંતુ હાલ ફ્રન્ટ લાઈન વર્કર્સ ઉચ્ચ કક્ષાએ કાગળિયા લખીને પણ થાકી ગયા છે.
સ્ટાફ નર્સ ફીક્સ-પેના આ કર્મચારીઓનો કન્ટિન્યૂએશન ઓર્ડર આવવાનો બાકી છે. તેમનો પ્રશ્ન સરકાર કક્ષાએ છે. આ મહિનાના અંત સુધીમાં કન્ટિન્યૂએશન ઓર્ડર આવી જશે. તેમની પ્રક્રિયા પુર્ણતાના આરે છે.ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં દર્દીઓની સેવા કરનારા ફ્રન્ટ લાઈન વર્કર્સની સ્થિતિ પગાર નહી થવાને લીધે કફોડી બની છે. સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા ૩૭ સ્ટાફ નર્સનો છેલ્લા ૬ મહિનાથી પગાર થયો નથી. સ્થાનિક હોસ્પિટલ તંત્રથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત છતાં કોઈ પરિણામ મળ્યું નથી.
Recent Comments