ગુજરાત

ભાવપુરા બુજેટા ગામના પશુપાલકોએ બરોડા ડેરી ખાતે ગેટની બહાર દૂધ ઢોળી વિરોધ કર્યો

બરોડા ડેરી દ્વારા ડભોઇ તાલુકાના ભાવપુરા બુજેટા ગામની દૂધ ઉત્પાદક મંડળીના દૂધ ભરતા પશુપાલકોને છેલ્લા ૬૦ દિવસથી દૂધનું પેમેન્ટ ન ચૂકવાતા અને એકાએક ગામની દૂધ ઉત્પાદક મંડળી બંધ કરી દેવાતા દૂધ ભરતા પશુપાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે પશુપાલકો દૂધ ભરેલા કેન ભરીને બરોડા ડેરી ખાતે ધસી આવ્યા હતા અને ગેટની બહાર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. પશુપાલકોએ જણાવ્યું હતું કે, અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસમાં ભૂખ હડતાલ પર ઊતરીશું.

વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની અગ્રણી બરોડા ડેરી દ્વારા ડભોઇ તાલુકાના ભાવપુરા બુજેટા ગામની દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોને છેલ્લા ૬૦ દિવસથી દૂધનું પેમેન્ટ ન ચૂકવાતા સભ્યોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને આજે એકાએક દૂધ ઉત્પાદક મંડળી બંધ કરી દેવાતા દૂધ ઉત્પાદકો દૂધ ભરેલા કેન લઈને બરોડા ડેરી ખાતે આવી પહોંચ્યા હતા અને બરોડા ડેરીના ગેટની બહાર દૂધ રસ્તા પર ઢોળીને ડેરીના વહીવટ કર્તાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તે સાથે દૂધ ઉત્પાદક સભ્યોએ છેલ્લા ૬૦ દિવસથી ભરવામાં આવી રહેલા દૂધના નાણાં ચૂકવવા માટે ઉગ્ર માગણી કરી હતી અને ડેરીના વહીવટ કર્તાઓ સામે દેખાવો અને સૂત્રોચ્ચારો કર્યાં હતા.

Related Posts