ભુજના દુર્ગમ ખાવડા ધોરીમાર્ગ પરના નાના બાંધા ગામ નજીક બપોરે બાઈક અને ડમ્ફર વચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો. જેથી સ્થાનિક ત્રણ યુવાનોના ઘટનસ્થળે જ કમકમાટીભર્યા મોત થતા હાઈવે લોહિયાળ થયો હતો. ભુજના નાના બાંધા ગામ નજીક ડમ્ફર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, હતભાગીઓના શરીર પણ સલામત રહી શક્યા નથી. સમાં સમાજના ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના ગામના લોકોની ભારે ભીડ ઉમટી હતી, જેના કારણે માર્ગ પર ટ્રાફિક બાધિત થયો હતો. અકસ્માત સર્જી ડમ્ફર ચાલક વાહન મૂકી ફરાર થઇ ગયો હતો. ખાવડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ખાવડાથી નાના બાંધા ગામની ગોળાઈ પાસે બપોરે બાઈક પર સવાર ત્રણ યુવકોને રતડીયા તરફથી પથ્થર ભરીને પૂરપાટ આવી રહેલા ડમ્ફરે અડફેટે લઈ કચડી નાખ્યા હતા. જેમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોના સ્થળ પર જ કરુણ મોત થયા હતા. હતભાગી તમામ યુવાનો મોટા દીનારાના સમાં સમાજના હોવાનું જાણવા મળ્યું હતું. કરુણ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ગમગીની પ્રસરી છે. આ અંગે સ્થાનિકના સતાજી સમાંએ જણાવ્યું હતું કે, અકસ્માત એટલો બધો ગંભીર હતો કે મૃતકોની ઓળખ મેળવવી મુશ્કેલ બની છે તો બીજી તરફ મૃતદેહોને પોસમોર્ટમ માટે લઈ જવા અશક્ય બન્યા છે. ઘટના બાદ ડમ્ફર મૂકી તેનો ચાલક ફરાર થઇ ગયો હતો. જેથી ખાવડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments