ગુજરાત

ભુજના ૩ શખ્સને એમડી ડ્રગ્સ આપનારા અમદાવાદના બે ઇસમને એટીએસએ દબોચ્યા

શહેરમાં માધાપર હાઇવે પર એસઓજીએ કાર્યવાહી કરીને સ્નિફર ડોગની મદદ લઇ કારના ગીયર બોક્સમાં છુપાવેલુ ૨.૮૦ લાખનું એમ.ડી.ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.તપાસમાં આ ત્રણેય આરોપીઓ અમદાવાદથી એમડી ડ્રગ લાવ્યા હોવાની કબૂલાત આપતા અમદાવાદ એટીએસની ટુકડીએ બે કુખ્યાત ઈસમોની ધરપકડ કરીને ભુજ એ ડિવિઝન પોલીસને આરોપીઓનો કબ્જાે સોંપાયો છે.જેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ૫ દિવસ પૂર્વે એસઓજીએ ભુજ-માધાપર હાઈવે પર જીજે ૧૨ સીએમ-૧૧૩૮ નંબરની બલેનો કાર સાથે ભુજના અકરમ અબ્દુલગની સંધી, નદિમ નુરમામદ સમા અને સાવન ચંદુલાલ પટેલને ૨૮ ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યા હતા.ત્રણે યુવકો અમદાવાદથી એમડી ખરીદીને લાવ્યા હતા. પોલીસથી બચવા ત્રણ નાની નાની પડીકીમાં કારના ગિયર બોક્સમાં માલ છૂપાવ્યો હતો.જેથી ફરિયાદ અને કેફિયતના આધારે અમદાવાદ એટીએસને જાણ કરાતા પીઆઇ એન.આર.બ્રહ્મભટ્ટને બાતમી મળી કે, આ ગુનાના વોન્ટેડ આરોપી શહેજાદ ઉર્ફે શૈજુ મન્સુરી તથા મોહમદ નોફીલ ઉર્ફે બાપુ કાદરી અમદાવાદમાં જુહાપુરા રોયલ અકબર ટાવર પાસે માઝ પાન પાર્લરના કોર્નર પાસે છે. જે બાતમીના આધારે પીએસઆઈ બી.ડી. વાઘેલા તથા સ્ટાફના માણસોએ બંનેને કોર્ડન કરી ઝડપી લીધા હતા.

તેઓની પૂછપરછ કરતા પોતાની ઓળખાણ અનુક્રમે શહેજાદ ઉર્ફે શૈજુ મોહમદ હનીફ પિરભાઇ મન્સુરી રહે. બી/૮૫, મુબારક સોસાયટી,સરખેજ રોડ તથા મોહમદ નોફીલ ઉર્ફે બાપુ યુનુસભાઇ શક઼દર હુસેન કાદરી રહે.૫૦૧, રોયલ અકબર ટાવર, જુહાપુરાવાળો હોવાનું જણાવ્યું હતું.પ્રાથમિક પૂછપરછમાં તેઓએ કબૂલાત આપી કે,ભુજથી અકરમ અબ્દુલગની સંધી તથા તેના બે માણસો જુહાપુરા ખાતે આવ્યા હતા અને બંને ઈસમો પાસેથી ૩૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો અને જેઓ ભુજમાં ૨૮ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે પકડાઇ ગયા હતા. જે કેસમાં શહેજાદ અને મોહમદ નોફીલના નામ ખુલતા બંનેની ધરપકડ કરી ભુજ પોલીસને સોંપવામાં આવ્યા છે.ઝડપાયેલા ઈસમો વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે.એ ડિવિઝન પીએસઆઈ દિલીપ ઠાકોરથી વાત કરતા તેમણે જણાવ્યું કે,અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓ પાલારા જેલમાં ધકેલી દેવાયા છે અને આ બંને શખ્સોનો કબ્જાે મળ્યો છે જેઓને આજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડતા યુવાનોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે માધાપરથી હાઇવે પરથી પકડાયેલા ડ્રગ્સ મામલે અમદાવાદના બે ઇસમો દબોચાયા છે.

Follow Me:

Related Posts