સૌરાષ્ટ - કચ્છ

ભુજમાં એક સમયનું મુખ્ય આકર્ષણ હિલ ગાર્ડન અષાઢી બીજ સુધીમાં નવા નજરાણામાં જોવા મળશે

કચ્છના વિનાશક ભૂકંપ બાદ કચ્છની જે કાયાપલટ થઈ છે તેની નોંધ સમગ્ર વિશ્વ લે છે. કચ્છના વિશાળ સફેદ રણની પ્રસિદ્ધિ થઈ તે પહેલાં બહારથી આવતા લોકોમાં જો કોઈ સ્થળ આકર્ષણ જમાવતું હતું તો તે હિલ ગાર્ડન હતું. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ વિશાળ બગીચાને વેરાન ડુંગર ઉપર ઊભો કરવામાં આવ્યો હતો. જેને જોવા લોકો દૂર દૂરથી આવતા હતા. પણ સમય સાથે તેની જાળવણીના અભાવે આજે આ હિલ ગાર્ડનની દશા દયનીય બની છે. પણ લોકો માટે એક આનંદની વાત કહી શકાય તે એ છે કે હિલ ગાર્ડનનું સંચાલન કરતા રોટરી ક્લબે તેનું રીડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે અને આવતી અષાઢી બીજ સુધીમાં કચ્છના લોકોને એક નવા નજરાણામાં આ સ્થળ જોવા મળશે. ધરતીકંપ બાદ તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માએ અંગત રસ લઈને શહેરને બગીચારૂપી નઝરાણું હિલ ગાર્ડન ભુજ શહેરની જનતાને આપ્યું હતું જે હાલમાં છેલ્લાં થોડાંક વર્ષોથી વેરાન બની ગયું છે. તો એક સમયના સૌથી આકર્ષક સ્થળને ફરીથી જીવંત બનાવવા માટે સંચાલન કરતી સંસ્થાની નવી ટીમ નવા આકર્ષણો ઉમેરી ફરીથી જનતા માટે ટુંક જ સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે.

છેલ્લા બે વર્ષથી કોરોના દરમિયાન જાળવણીના અભાવે હિલ ગાર્ડન વેરાન બની ગયો હતો. તેને સંચાલન કરતી સંસ્થાની નવી ટીમ નવા આકર્ષણો ઉમેરી ફરીથી જનતા માટે ખુલ્લું મૂકવા જઈ રહી છે. ઘણા વર્ષથી ગાર્ડન અંદર નવા ફુલઝાડના રોપા લગાડવામાં આવ્યા ન હતા, તો ઘણી જગ્યાએ બાવળ ઉગી નીકળ્યાં હતાં. હાલ હિલ ગાર્ડનમાં સફાઈનું કામ ચાલુ છે, તો જૂની રાઇડ પણ ચાલુ થાય અને વધુ નવી દસ રાઈડ લગાવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેવું રોટરી ચેરીટેબલ સોસાયટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું. હિલ ગાર્ડન એક સમયે કચ્છનું પ્રખ્યાત અને મુલાકાતીઓ માટેનું મનપસંદ ગાર્ડન હતું. ગાર્ડનમાં ઘણી બધી કેન્ટીન ચાલુ હતી પરંતુ સહેલાણીઓ ખુબજ ઓછા આવતા હોવાથી હાલે એક જ કેન્ટીન ચાલુ છે. હીલગાર્ડનમાં દસ રાઈડ તથા એક ગેમ ઝોન છે. આ બધી બાબતોએ રોટરી કલબમાં ચર્ચા થઈ અને હીલગાર્ડન ફરી પાછું હતું તેનાથી પણ વધુ સારું બનાવવા માટે એક નવી ટીમ તૈયાર કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ગાર્ડનમાં મુલાકાતીઓને બેસવા માટે 50 બેંચ નવી મુકાય તેવું આયોજન છે, ગાર્ડનમાં કંઈક નવીનતા આવે તે માટે નવી રાઈડસ્ તથા નવી ગેમ અને બાળકોને મનોરંજન મળે તે માટેના પ્રયત્નો ચાલુ કરાયા છે. હીલગાર્ડનમાં એક સનસેટ પોઈન્ટ છે જે પોઈન્ટ પણ વિકસિત કરાશે, જ્યાં સેલ્ફી પોઈન્ટ જેવું આકર્ષણ ઉભુ કરાશે. બંને બંધ ફાઉન્ટન શરૂ કરાશે, તો નવી લાઈટો નાખવાનું આયોજન થઈ ગયું છે. પોલ રીપેરીંગ થયેથી 15 દિવસમાં નવી લાઈટો ચાલુ કરી દેવામાં આવશે તો એક સમયે આ બગીચાની ખાસિયત એવી બોટીંગ પણ ચાલુ કરવામાં આવશે.

Related Posts