ભુજમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ માં જ દબાણકર્તાઓએ ગાયનો વાડો બનાવી નાખ્યો

કચ્છભરમાં વર્ષોથી ઠેકઠેકાણે દબાણ થતાં હોવાની ફરીયાદો આવતી હોય છે. છેલ્લા થોડા સમયથી સખત કલમો તળે લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ પણ નોંધવામાં આવે છે, પણ દબાણકર્તાઓને કોઈ ફરક પડતું ન હોય તેમ બેફામ બન્યા છે. ત્યારે ભુજમાં તો અતિક્રમણકારીઓએ તો હદ કરી નાખી છે. અને સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં જ દબાણ કરી ગાયો માટે વાડો બનાવી નાખ્યો છે. ભુજ શહેરમાં સરપટ નાકા પાસે આવેલી જ્યુબિલિ હોસ્પિટલ છેલ્લા અનેક વર્ષોથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. તો હાલ થોડા દિવસો પહેલા આ હોસ્પિટલ પાસે આવેલી એક ખાનગી જમીન ધારકોએ હોસ્પિટલના પ્રાંગણ અંદર ગાયો રાખવા માટે વાડો બાંધી નાખ્યો છે. સરકારી જમીન પચાવવા ઉપરાંત હોસ્પિટલના કર્મચારીઓ તેમજ દર્દીઓ માટે આ પરેશાની બની છે. ગાયોના વાડાના કારણે સતત ગોબર અને મળમૂત્રની દુર્ગંધ હોસ્પિટલમાં ફેલાઈ રહીછે, તેવી ફરિયાદ હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓએ કરી હતી. તો આ મુદ્દે વધુ જણાવતા હોસ્પિટલના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે આ દબાણના કારણે હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તો સાથે જ ઇન્ફેક્શન કંટ્રોલ પણ જળવાઈ રહ્યું નથી. છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
Recent Comments