ગુજરાતમાં ભુવાજી તરીકે ઓળખાતા અને જાણીતા લોકગાયક વિજય સુંવાડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સુંવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત ૩૦થી વધુ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૦થી ચાલી રહેલા મનદુઃખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. વિજય સુંવાડા અને તેમના ભાઈ સહિત ૩૦થી વધુ લોકો ૧૫-૨૦ ગાડી લઈ હુમલો કરવા આવ્યા હતા. જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે.
આ ઘટના સંદર્ભે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના ઓઢવ વિસ્તારમાં વિજય સુવાડા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત ૩૦થી વધુ લોકોએ ફરિયાદી પર હુમલો કરવાની ઘટના બની છે. જેમાં દિનેશ નામના વ્યક્તિને મારવાનું કહીને વિજય સુવાળાએ રીતસર ગુંડાગર્દી કરી હતી. દિનેશ ક્યાં છે? આજે તેને મારી નાખવાનો છે, તેવું કહીને મોડીરાતે ઓઢવમાં વિજય સુવાળા સહિતના લોકોએ હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો.
હથિયાર સાથે ૩૦થી વધુ લોકોનું ટોળું એકઠું થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ ઘટના સંદર્ભે ઓઢવ પોલીસમાં વિજય સુવાડા, યુવરાજ સુવાડા, રાજુ રબારી, વિક્કી અને સુરેશ દેસાઈ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બ્રોકર દિનેશ અને વિજય સુવાળા પહેલાં મિત્રો હતા, પરંતુ વર્ષ ૨૦૨૦થી બન્ને વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના અડીસણા ગામનો રહેવાસી છે. તેના પિતા એલઆઇસી એજન્ટ છે. જેમની ઓફિસ ઓઢવ પમ્પિંગ સ્ટેશનની સામે જવાલીન ચેમ્બર્સમાં આવી છે. દિનેશની ઓફિસ વૈષ્ણવદેવી સર્કલ ખાતે આવેલા રોઝહુડ રિસોર્ટમાં આવેલી છે. દિનેશ સાથે તેનો પિતરાઇ ભાઈ ચેતન ભાગીદાર છે.
Recent Comments