ભોળાવદર પ્રાથમિક શાળાના શિક્ષક ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈને રાજય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષક એનાયત
તારીખ ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ અમદાવાદ પાલડી ખાતે ટાગોર હોલમાં ભાવનગર તાલુકાના ખડસલિયા ગામની શ્રી ભોળાવદર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી તેમની શ્રેષ્ઠ સેવા માટે ગુજરાતના મહામહિમ્ન રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક પારિતોષક એનાયત થયો. આ કાર્યક્રમમાં ગુજરાતના મહામહિમ્ન રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી (રાજ્ય કક્ષા) કિર્તીસિંહ વાઘેલા, અગ્ર સચિવશ્રી હૈદર, શિક્ષણ સચિવ શ્રીરાવ તથા શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ. ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી તેમની પ્રસંશનીય કામગીરી માટે રુ.૫૧૦૦૦/- નો પુરસ્કાર, શાલ, સન્માન પત્ર, તામ્રપત્ર, પુસ્તકો આપવામાં આવ્યા. આ અગાઉ ધ્રુવકુમાર પી. દેસાઈને સાંદીપની વિદ્યાગુરુ પુરસ્કાર, અચલા એજ્યુકેશન એવોર્ડ, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક પારિતોષક જેવા અનેક એવોર્ડથી નવાજવામાં આવેલ છે. ધ્રુવકુમાર પી. દેસાઈ ભોળાવદરના મુખ્ય શિક્ષક ઉપરાંત ભાવનગર તાલુકાના કેળવણી નિરીક્ષક તરીકે પણ ફરજ બજાવે છે. તેઓ ભાવનગર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ પુરસ્કારની તમામ રકમ શાળાના વિકાસ માટે આપવાના છે.
Recent Comments