તળાવો ઊંડા ઉતારવા, જળાશયોના ડી-શીલ્ટિંગ, રીપેરિંગ સહિતના કામો ૩૧મી મે સુધી થશે
“પાણીના ટીપે ટીપામાંથી બને છે મહાસાગર, પાણીથી જ થાય છે જીવન ઉજાગર.” સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવાર તા.૧૭ ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપર ખાતે રાજ્યના મત્સ્યોધ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના હસ્તે સવારે ૯.૩૦ કલાકે આ અભિયાનનો પ્રારંભ થશે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.
અત્રે નોંધનીય છે કે, આ સુજલામ સુફલામ જળ અભિયાન તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૩૧મી મે એટલે કે ૧૦૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે. ગુજરાતમાં અનિયમિત તથા અસમાન વરસાદને કારણે ભૂર્ગભ જળ-સ્તર નીચે ઉતરતા હોવાથી તેમજ ક્ષારયુક્ત-ફલોરાઈડવાળા પાણીથી ખેતી અને માનવજાતને થતા નુકસાનથી ઉગારવાના ઉપાય રૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ર૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે શરૂ થયું છે.રાજ્ય સરકારના જુદા જુદા ૬ વિભાગો એકસાથે મળીને આ અભિયાનના ઉદેશ્ય પૂર્ણ કરવા જળ-સંચયને લગતા વિવિધ કામો લોકભાગીદારીથી કરે છે.
આ અભિયાન અન્વયે ર૦ર૩ના વર્ષમાં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડી-શીલ્ટિંગના કામો, રીપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવિત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવશે.
Recent Comments