fbpx
અમરેલી

મધ્યગીરમાં મહિલા ફોરેસ્ટરની છેડતી:રસ્તામાં આંતરી સાથી કર્મચારીએ બીભત્સ માંગણી કરી

ગીર પૂર્વમાં બીટગાર્ડ તરીકે નોકરી કરતી એક યુવતીને વનવિભાગમાં જ નોકરી કરતા કેશોદ પંથકના સાથી કર્મચારીએ વારંવાર બીભત્સ માંગણી અને બીભત્સ ઈશારાઓ કરી પરેશાન કરી મુકતા આ યુવતીએ આખરે ધારી પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવી છે.મહિલા વનકર્મીની જાતીય સતામણીની આ ઘટના મધ્યગીરમાં બની હતી.


ગીર પૂર્વમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીએ આ બારામાં ધારી પોલીસ મથકમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એકલારા ગામના નાથા જીવાભાઇ છેલાના નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આ શખ્સ હડાળા રેન્જમાં જામવાળી રાઉન્ડ ફોરેસ્ટમાં ફરજ બજાવે છે અને દૂધાળા ફોરેસ્ટ હેડ ક્વાર્ટરમાં રહે છે. થોડા સમય પહેલા આ મહિલા કર્મચારીને કાકરાપાર ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ માટે પાંચ મહિના સુધી મોકલવામાં આવી હતી. તે સમયે આ શખ્સે પોતાના મોબાઈલ પરથી આ યુવતીને કોલ કર્યો હતો અને તું ક્યારે પાછી આવવાની છો ? મને કેમ યાદ કરતી નથી ? વિગેરે જેવી વાતો કરી હતી.


જેને પગલે આ યુવતીએ કોઈ અગત્યનું કામ હોય તો કહો અન્યથા હું ફોન મૂકું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ટ્રેનિંગમાંથી પરત આવ્યા બાદ આ યુવતી ટીંબરવા ચેકપોસ્ટથી દૂધાળા તરફ આવી રહી હતી ત્યારે નાથાએ તેને રસ્તામાં આંતરી ‘તું મારી સાથે ફ્રેન્ડશીપ રાખ’ તેમ કહી બીભત્સ માંગણી કરી હતી. જેનો યુવતીએ ઇનકાર કરતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.


​​​​​​​
ત્યારબાદ આ શખ્સ એક દિવસ તેના ઘરે આવ્યો હતો અને ફરી આ જ હરકત કરી હતી. જેને પગલે યુવતીએ પોતાનો ઘરનો દરવાજો બંધ કરી દઈ પીછો છોડાવ્યો હતો. બે ત્રણ દિવસ બાદ આ યુવતી પોતાના ક્વાર્ટર બહાર સાફસફાઈ કરી રહી હતી ત્યારે આ શખ્સ તેની સામે તાકી રહ્યો હતો અને બીભત્સ ઇશારા કરતો હતો. જેને પગલે આખરે કંટાળી આ યુવતીએ આસપાસની મહિલાઓને જાણ કરી હતી અને બાદમાં પોતાના પરિવારને જાણ કરી ફરિયાદ લખાવવા ધારી પોલીસમથકે દોડી ગઈ હતી.

Follow Me:

Related Posts