મધ્યપ્રદેશમાં મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામમાં ભાજપને ઝટકો

મધ્યપ્રદેશમાં ૧૬ મહાનગર પાલિકાની સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ચુકી છે. બે તબક્કામાં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રદેશની ૧૬માંથી ૯ સીટો પર કબજાે કર્યો છે. તો કોંગ્રેસના ખાતામાં ૫ સીટ આવી છે. એક સીટ પર અપક્ષ અને એક સીટ પર પ્રદેશમાં પ્રથમવાર સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ કબજાે કર્યો છે. પ્રથમ તબક્કાની મતગણતરી ૧૭ જુલાઈએ થઈ હતી. તેમાં ૧૧ કોર્પોરેશનના મતની ગણતરી કરવામાં આવી હતી. તેમાંથી ભાજપને સાત, કોંગ્રેસને ત્રણ અને આપને એક સીટ મલી હતી.
તો બીજા તબક્કામાં બુધવારે થયેલી મત ગણતરીમાં ભાજપ અને કોંગ્રેસને ૨-૨ તથા અપક્ષને એક સીટ મળી છે. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા સેમીફાઇનલ માનવામાં આવી રહી છે. પ્રદેશમાં પાંચ કોર્પોરેશનની મત ગણતરીમાં ભાજપને દેવાસ અને રતલામ, કોંગ્રેસને મુરૈના અને રીવાની મેયર સીટ પર જીત મળી છે. તો કટનીમાં ભાજપના બળવાખોર ઉમેદવારે જીત મેળવી છે. પાછલી ચૂંટણીમાં આ પાંચેય કોર્પોરેશન ભાજપના ખાતામાં હતા. રીવામાં કોંગ્રેસ ઉમેદવાર અજય મિશ્રાને આશરે ૯ હજાર મતોથી ભાજપના ઉમેદવાર પ્રબોધ વ્યાસને હરાવ્યા છે.
કોંગ્રેસે બે દાયકા બાદ રીવામાં મેયરની ચૂંટણી જીતી છે. તો મુરૈનામાં કોંગ્રેસના ઉમેદવાર શારદા સોલંકીએ ૧૨ હજાર ૮૭૪ મતોથી જીત મેળવી છે. તો રતલામમાં ભાજપના મેયર પદના ઉમેદવાર પ્રહલાદ પટેલને ૮૫૯૧ મતોથી જીત મળી છે. દેવાસમાં ભાજપની ગીતા અગ્રવાલને ૪૫ હજાર ૮૮૪ મતોથી જીત મળી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના સંસદીય ક્ષેત્ર કટનીમાં તેમને મોટો ઝટકો લાગ્યો છે.
ત્યાં ભાજપના બળવાખોર ઉમેદવાર પ્રીતિ સૂરીએ ભાજપના ઉમેદવાર જ્યોતિને ૫ હજાર કરતા વધુ મતોથી પરાજય આપ્યો છે. આ પહેલા પ્રથમ તબક્કાની મતગણનામાં ૧૭ જુલાઈએ ભાજપે ભોપાલ, ઈન્દોર, બુરહાનપુર, સાગર, ઉજ્જૈન, ખંડવા અને સતનામાં મેયરની ચૂંટણીમાં જીત મેળવી હતી. તો કોંગ્રેસે મોટો અપસેટ સર્જતા જબલપુર, ગ્વાલિયર અને છિડંવાડાની મેયર સીટ પર કબજાે કર્યો હતો. તો સિંગરોલીની સીટ પર આમ આદમી પાર્ટીએ કબજાે કર્યો હતો.
Recent Comments