fbpx
ભાવનગર

મધ્યાહ્ન ભોજન કર્મચારીઓને લઘુતમ વેતન ધારા મુજબ વેતન આપવું જોઈએ. ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળ દ્વારા માંગણી

પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓને લઘુતમ વેતન ધારા મુજબ વેતન આપવું જોઈએ તેમ ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળ દ્વારા સરકારમાં માંગણી રહેલી છે. 

મધ્યાહ્ન ભોજન યોજના સંચાલક કર્મચારીઓ દ્વારા તેમના માનદ વેતન અંગે અસંતોષ વ્યક્ત થતો રહેલો છે, પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવાતો નથી. ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળ (સૂચિત ) દ્વારા આ અંગે યોગ્ય કરવા માંગ થઈ છે. 
મંડળના અગ્રણી પ્રતિનિધિ શ્રી પ્રફુલ્લભાઈ વાવેચા (જૂનાગઢ) તથા શ્રી રમેશભાઈ કામળિયા (બંધાળા ) દ્વારા આ સંદર્ભે વિગતવાર રજૂઆતોમાં જણાવાયા મુજબ માનદ કર્મચારીઓના નામે માત્ર મધ્યાહ્ન ભોજન કર્મચારીઓને જ પૂરતું મહેનતાણું વેતન અપાતું નથી, જયારે અન્ય વિભાગોમાં માનદ કર્મચારીઓને પૂરતું વેતન આપવામાં આવે છે. સરકારે આ કર્મચારીઓને લઘુતમ વેતન ધારા મુજબ વેતન આપવું જોઈએ.

આ રજુઆતમાં જણાવાયા મુજબ 1984ના વર્ષથી 200રૂપિયા વેતન બાદ આજે 1600 રૂપિયા વેતન થયું છે, જે કેટલું વ્યાજબી કહેવાય? કામના કલાકો ઓછા હોવાનું સરકાર કહે તો કઈ રીતે કલાકો ગણવામાં આવે છે? સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મધ્યાહ્ન ભોજન કામગીરી ચાલતી હોય છે, જે 7 કલાક જેટલો સમય કામનો રહે છે. આ યોજનામાં જોડાયેલ કર્મચારીઓ પૈકી 70થી 80 ટકા તો મહિલાઓ છે. જેમાં વિધવા, ત્યક્તા વગેરે સામેલ છે. જે પોતાનું ગુજરાન આ વર્તનથી ચલાવે છે. મહિલા સશક્તિકરણ માટે આ મહિલા સામે સરકારે ધ્યાન આપવું જોઈએ કે નહિ? 

મંડળના પ્રતિનિધિ શ્રી મૂકેશભાઈ દવે (નોંઘણવદર) દ્વારા જણાવ્યા મુજબ જૂનાગઢ, થરાદ, સુઈગામ, વસો, પાટણ, પાલિતાણા, તળાજા, વિંછીયા, કાલાવડ, ઉના, ગોધરા, ચાણસ્મા, ઓલપાડ, ઉચ્છલ તથા કપરાડા કેન્દ્રોના કર્મચારીઓ આ મંડળના મુખ્ય પ્રતિનિધિઓ છે.
આ મધ્યાહ્ન ભોજન સાથે સમગ્ર રાજ્યના લગભગ 96,000 કર્મચારીઓ જોડાયેલા છે. તેમના વેતનનો પ્રશ્ન રાજ્ય સરકાર ઉકેલે તેમજ વિધાનસભાના શિયાળુ સત્રમાં આ મુદ્દો સમાવી માનદ વેતનમાં પોષણક્ષમ વધારો કરવો જોઈએ તેમ માંગ કરી છે.     


 

Follow Me:

Related Posts