રાષ્ટ્રીય

મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરવા સીબીઆઈ બેન્ક પહોંચી

દિલ્હીમાં લિકર પોલિસીને લઈને ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈની ટીમે રેડ પાડી હતી. હવે સીબીઆઈની ટીમ મનીષના બેન્ક લોકરની તપાસ કરી રહી છે. સવારના ૧૧ વાગ્યાની આસપાસ સિસોદિયાના બેન્ક લોકરની તપાસ કરવા માટે સીબીઆઈની ટીમ બેન્ક પહોંચી હતી. ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર ૪માં આવેલી પંજાબ નેશનલ બેન્કમાં મનીષ સિસોદિયાનું લોકર છે અને ત્યાં જ સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે. મનીષ સિસોદિયા પત્ની સીમા સિસોદિયા સાથે વસુંધરા સેક્ટર ૪ષ્ઠ સ્થિત પંજાબ નેશનલ બેન્ક પહોંચી ગયા છે. સીબીઆઈના અધિકારીઓ ત્યાં જ બેન્કમાં સિસોદિયાને મળ્યા હતા અને મનીષ સિસોદિયા સામે જ તેમનું બેન્ક લોકર ખોલ્યું હતું.

આ પહેલાં સોમવારે મનીષ સિસોદિયાએ ટ્‌વીટ કર્યુ હતુ કે, ‘કાલે સીબીઆઈ અમારું બેન્ક લોકર જાેવા આવી રહી છે. ૧૯ ઓગસ્ટે મારા ઘરે ૧૪ કલાકની રેડમાં તેમને કંઈ મળ્યું નહોતું. લોકરમાંથી પણ કંઈ મળશે નહીં. સીબીઆઈનું સ્વાગત છે. તપાસમાં મારો અને મારા પરિવારનો પૂરેપૂરો સહયોગ રહેશે.’ સિસોદિયાનું કહેવું છે કે, તેમને એક ખોટા કેસમાં ફસાવવામાં આરોપી બનાવવામાં આવ્યા છે. જેથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આગળ વધતા રોકી શકાય. જે ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે સામે આવ્યાં છે.

આ ઉપરાંત ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. તેમાં તેમણે સીબીઆઈ અને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, સીબીઆઈના દરોડાને ૧૦ દિવસ વીતી ગયા છે. પરંતુ એજન્સી હજુ સુધી નથી બતાવી શકી કે મારા ઘરમાંથી એમને શું મળ્યું છે. આ સિવાય ભાજપે લગાવેલા બધા જ આરોપ જૂઠ્ઠા છે.

Follow Me:

Related Posts