અમરેલીના વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને સ્થળ પર જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢી વિતરણ કરાયું
૯૫ પૈકી ૭૧ વડીલોને જન આરોગ્ય કાર્ડ મળતા ૫ લાખ સુધીની સારવાર સરકારી કે ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરાવી શકશે
કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવા કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગને તાકીદ કરતા કેમ્પ સફળ રહ્યો
આરોગ્ય તંત્ર દ્વારા અમરેલીના દીકરાનું ઘર (વૃદ્ધાશ્રમ) ખાતે આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધાશ્રમ ખાતે રહેતા ૯૫ જેટલા વડીલો પૈકી ૭૧ જેટલા વડિલોને સ્થળ ઉપર જ કાઢી આપવામાં આવ્યા હતા.
આ તકે વૃદ્ધાશ્રમના એક વડીલ જણાવે છે કે સરકારી તંત્ર આજે અમારા જેવા નિરાધારોને દ્વારે આવી અમને કાર્ડ આપ્યા એના માટે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. શારીરિક અશક્તતાના કારણે અમે સ્થળ પર જઈને કાર્ડ કઢાવવા ન જઈ શકીએ તેવી પરિસ્થિતિ સમજી એના માટે અમે ઋણી રહીશું. આ કાર્ડ મળવાથી હૈયે ધરપત થઈ છે કે જો હવે મને કંઈક થશે તો અમારે કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે.

જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવએ આ કાર્ડ કાઢવા માટે રાશનકાર્ડ, આવકના દાખલા જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા ફરજીયાત હોવાથી સંબંધિત વિભાગને સૂચના આપી સ્થળ ઉપર જ તાત્કાલિક ડોકયુમેન્ટ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીના આ સંવેદનાસભરના નિર્ણયને આવકારી વૃદ્ધાશ્રમના વડીલોએ આભાર વ્યક્ત કર્યો હતો. વડીલોએ ઉપસ્થિત તંત્રના અધિકારી કર્મચારીઓને બે હાથ જોડી આભાર વ્યક્ત કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
આ કેમ્પને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ તેમજ નોડલ અધિકારી શ્રી ડો. આર. કે. જાટ, ડીપીસી શ્રી ભાવેશભાઈ ચત્રોલા તથા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીશ્રી જગદીપભાઈ પારેખ તથા ઓડિટરશ્રી ગુલાબરાય હેમરાજભાઈ દત્તાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ કાર્ડના લાભાર્થીઓને રૂ. ૫ લાખ સુધીની તબીબી સારવાર સરકારી તેમજ સંલગ્ન પ્રાઈવેટ હોસ્પિટલમાં વિનામુલ્યે થઈ શકે છે. આ કાર્ડ કઢાવવા આધારકાર્ડ, રેશનકાર્ડ જેવા દસ્તાવેજો લઈ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવાની રહે છે.
Recent Comments