મહાત્મા મંદિર ખાતે બનનાર કોવિડ હોસ્પિટલ હવે ૮૫૦ બેડની બનશે
ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિરમાં તબક્કાવાર બેડની સંખ્યા ઘટાડી દઇ હવે ૮૫૦ બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ૨૨૫ આઈસીયુ તેમજ ૬૨૫ ઓક્સિજન એમ કુલ ૮૫૦ બેડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં ૫૪ ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક મારફતે એક સાથે દર્દીઓને ઓક્સિજન આપી શકાય તે રીતે સંપૂર્ણ હોસ્પિટલ વાતાનુકૂલિત બનાવવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ દ્વારા જાહેરાત કરાયેલી મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ ડીઆરડીઓ અને ટાટાના સહયોગથી યુધ્ધના ધોરણે ઉભી કરી દેવામાં આવી છે. શરૂઆતમાં અત્રે ૧૨૦૦ બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જાે કે ત્યારબાદ અચાનક બેડની સંખ્યા ઘટાડી દઇ ૯૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે એમાંય ૫૦ બેડનો કાપ મૂકીને ૮૫૦ બેડની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે.
ગાંધીનગરની હોસ્પિટલોમાં જે રીતે ઓક્સિજન અછત સર્જાઈ હતી. જેના કારણે કેટલાય દર્દીઓને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. ત્યારે મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલમાં એકસાથે ૧૨૦૦ દર્દીઓને ઓક્સિજન સપ્લાય મળી રહે તે માટે ૫૪ ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ની વ્યવસ્થા કરવામાં આવી છે.
Recent Comments