fbpx
ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનો ૮ મો પદવીદાન સમારોહ યોજાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૮ મો પદવીદાન સમારોહ યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે સંપન્ન થયો હતો. આ પદવીદાન સમારોહ ૧૪,૨૯૭ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.

રાજ્યપાલશ્રીએ દિક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું કે, વિદ્યાર્થી તેની મહેનત અને પરિશ્રમથી વિદ્યા અર્જિત કરે છે અને ગુરૂ  તેમની તપ, સાધના અને આરાધનાથી મેળવેલ વિદ્યાને વિદ્યાર્થીઓમાં આરોપિત કરે છે. આ રીતે તપશ્ચર્યાથી મુશ્કેલીથી મેળવેલ વિદ્યાને સમાજ શ્રેયાર્થે વાપરવાની તેમણે હાકલ કરી હતી.

અન્યના દુઃખ-દર્દ ન સમજી શકે તો મેળવેલી તમામ વિદ્યા નિરર્થક છે તેમ જણાવી તેમણે આજે પદવી મેળવીને તમે સમાજમાં પદાર્પણ કરવાં જઇ રહયાં છો. સમાજ અને યુનિવર્સિટીએ તમારાં ઘડતરમાં જે યોગદાન આપ્યું છે તેને વિદ્યાર્થી તરીકે હંમેશા યાદ રાખજો તેવી અપીલ કરીને તેમણે આપણી પરંપરા અને સંસ્કારને હૈયે રાખી સમાજ સાથે દેશના વિકાસ માટે કટીબધ્ધ બનવાં ભારપૂર્વક જણાવ્યં  હતું.

વેદકાલીન સૂત્ર “સત્યમ્ વદ, ધર્મમ્ ચર” ને અનુસરી દેશની ઉન્નતિમાં જોડાવાં વિદ્યાર્થીઓને આહવાન કરતાં તેમણે માતા-પિતા, ગુરુ તેમજ નારીનું સન્માન સદૈય હૈયે રાખવાં અને ભારતીય ઉચ્ચ મૂલ્યોને જાળવી સંસ્કાર દિપાવવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, તેઓ સમાજ માટે પ્રેરણાપૂંજ હતાં. પ્રજા માટે તેમણે પુત્રવત કાર્ય કરીને તે જમાનામાં પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું. તેમણે દેશને એક કરવાં માટે પોતાનું રજવાડું સૌ પ્રથમ આપીને એક યશસ્વી ગાથા આલેખી હતી. તે આપણાં સૌ માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે.

તેમણે કહ્યું કે, જે સમાજની યુવા પેઢી બુધ્ધિવાન, ચારિત્ર્યવાન અને દેશને સમર્પિત હોય તે રાષ્ટ્રને આગળ વધતાં કોઇ ન રોકી શકે. દૂનિયામાં યુવાધનની વસતિ ઓછી થઇ રહી છે ત્યારે આપણો દેશ ૩૫ ટકા યુવા વસતિ સાથે વિકાસના નવાં-નવાં સોપાનો સર કરી રહ્યો છે, ત્યારે આજે પદવી ઘારણ કરનારા વિદ્યાર્થીઓ પણ ભારતને વિશ્વગુરૂ બનાવવાં કટિબધ્ધ બને તે જરૂરી છે.

રાજ્યપાલશ્રીએ ગુરુ-શિષ્યની પ્રાચીન પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, જે રીતે એક માતા પોતાના ગર્ભમાં રહેલ બાળકનું જતન કરે છે. તે જ રીતે ગુરુ પોતાના શિષ્યનું જતન અને કરી શિષ્યમાં આદર્શ ચારિત્ર્યનું નિર્માણ કરે છે. આજે જે શિક્ષા- દિક્ષા મેળવી છે તેને તમારાં કાર્યક્ષેત્રમાં વણી આદર્શ સમાજનું નિર્માણ કરશો તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

રાજ્યપાલશ્રીએ તૈતરિય ઉપનિષદનો “સત્યમ્ વદ, ધર્મમ્ ચર” મંત્ર જીવનમાં ઉતારી શ્રેષ્ઠ સમાજ તેમજ આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં પોતાની વિદ્યા ઉપયોગમાં લેવાનો ઉપદેશ આપતાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ સત્યનું આચરણ કરે, કર્તવ્ય ધર્મનું પાલન કરે, આજીવન અભ્યાસુ રહે, મેળવેલ જ્ઞાનનો પ્રચાર કરે તે આજની નિતાંત આવશ્યકતા છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, જેવા વર્તનની અપેક્ષા તમે બીજા પાસેથી રાખો છો તેવું જ વર્તન તમે બીજા સાથે કરો. બીજાના હૃદયના સ્પંદનને જો તમે પોતાની અંદર ન અનુભવી શકો અને બીજાના આંસુને પોતાની આંખથી ન વહાવી શકો તો મેળવેલી તમામ વિદ્યા નિરર્થક છે.

તેમણે દીકરાં- દીકરીનો ભેદભાવ ન કરવાં તથા જે ધરા પર રહીએ છીએ તેનું વાતાવરણ, હવાં – પાણી શુધ્ધ રાખવાં અને ગ્લોબલ વોર્મિંગની અસરોને ટાળવાં માટે વધુ વૃક્ષો વાવવાં તથા પ્રાકૃતિક કૃષિ તરફ વળવાં આહવાન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ સ્વદેશી ચીજો અપનાવવાં આહ્વાન કરતાં તેમણે રાજભવનમાં તમામ ચીજો સ્વદેશી વાપરવાની શરૂઆત કરાવી છે. આપણે સૌ પણ તેને અપનાવી વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવાં માટે કૃતસંકલ્પબધ્ધ થઇએ તેમ જણાવ્યું હતું.

આજે પશ્ચિમ જગત બહુ દુઃખી છે. તેઓ શાંતિની શોધમાં ભારતીય આધ્યાત્મ તરફ વળ્યાં છે ત્યારે આપણે તેનું આંધળું અનુકરણ કરીને નકલી સુખને સાચું સુખ માની લેવાની ભૂલ કરીએ છીએ. વાસ્તવમાં આપણાં ઋષિ-મુનીઓએ આપણને ચિંધેલાં માર્ગે ફરીથી અગ્રેસર થવાની ભૂમિકા તેમણે આપી હતી.

તેમણે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવાના આશિષ આપીને કોરોનાકાળમાં પણ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીએ પૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા અને સમર્પણ ભાવથી શિક્ષણ કાર્ય શરૂ રાખ્યું તે બદલ યુનિવર્સિટીના તમામ કર્મચારીગણને રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો તે જ યુનિવર્સિટીમાં ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે આવવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આજે પાસ થનાર વિદ્યાર્થીઓ આવતીકાલથી સમાજજીવનની વચ્ચે આવવાના છે. સમાજજીવનની મુશ્કેલીઓમાંથી ઉગરવાં માટે આજે મેળવેલું જ્ઞાન ઉપયોગી બની રહેવાનું છે.

તેમણે કહ્યું કે, અગાઉ પણ શિક્ષણની સગવડ હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે દ્રષ્ટિવંત નેતૃત્વ સાથે દેશનું શિક્ષણનું માળખું તૈયાર કર્યુ છે તે કાબીલેદાદ છે. વડાપ્રધાનશ્રીએ અનેક પ્રકારના કોર્ષ અને નાવિન્ય સાથે આજનો યુવાન સ્પર્ધામાં ઉભો રહી શકે તે પ્રકારનું શિક્ષણનું વાતાવરણ તૈયાર કર્યું છે.

તેમણે કહ્યું કે, જીવનના પડાવને આગળ લઇ જવાં માટેનું માધ્યમ યુનિવર્સિટીઓ બનતી હોય છે. આજે શિક્ષણ માટેનો જે ભરોસો અને વિશ્વાસ ઉભા થયાં છે. તેમાં વિદ્યાર્થીઓની મહેનત ભળે તો તેના અદભૂત પરિણામ આવતાં હોય છે.

આત્મનિર્ભર ભારત માટે તેમણે ૨.૦ સ્ટાર્ટઅપ પોલિસી વિશે જણાવી આ પોલિસીથી નાના બાળકોમાં પણ કેવી રીતે વિચાર બીજ જન્મે છે અને સરકાર દ્વારા તેને માઇન્ડ ટૂ માર્કેટ સુધી લઇ જવાં માટે રૂા. ૨.૫૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે તે વિશેની વિશદ જાણકારી આપી હતી.

રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતીને જે રીતે પ્રાધાન્ય આપી રહ્યાં છે ત્યારે તેને પ્રોત્સાહન આપવાં માટે ઉચ્ચતર શિક્ષણમાં પણ પ્રાકૃતિક ખેતીના વિષયનો સમાવેશ આગામી સત્રથી કરવામાં આવશે તેની જાહેરાત તેમણે કરી હતી.

શિક્ષણ મંત્રીશ્રીએ એક ભારત- શ્રેષ્ઠ ભારત બનાવી માં ભારતીને સર્વશ્રેષ્ડ બનાવવાં માટે વિદ્યાર્થીઓ સંકલ્પબધ્ધ બને તેમ જણાવી જીવનમાં પદવી મેળવી સફળ થયાં છો તેવી જ સફળતા જીવનના જે ક્ષેત્રોમાં જાઓ ત્યાં મેળવો તે માટેની શુભકામનાઓ આપી હતી.

યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી ડો.મહેશ એમ. ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, યુનિવર્સિટી કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન ખોરવાય તે માટે વેબીનાર અને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું  હતું.

કોરોનાકાળમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ પરિવર્તન આવ્યું છે. આ મુશ્કેલ સમયગાળામાં પણ યુનિવર્સિટીના તમામ સ્ટાફે શિક્ષણકાર્ય શરૂ રાખ્યું એ બાબત અભિનંદનને પાત્ર છે.દેશની યુવાપેઢીના હાથમાં દેશનું ભવિષ્ય છે ત્યારે તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધા આપવામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સફળ રહી છે. તેમણે યુનિવર્સિટી દ્વારા મેળવવામાં આવેલ સિધ્ધિઓ અંગે જાણકારી આપી યુનિવર્સિટીએ સમાજને આપેલાં રત્નો વિશેની જાણકારી આપી હતી.

શિક્ષણ અગ્ર સચિવશ્રી એસ.જે. હૈદર અને મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી માટે રૂા.૧૦ લાખ, વિવિધ દરખાસ્તો માટે રૂા.૩ કરોડ, તાઉ’તે વાવાઝોડાથી નુકશાન માટે રૂા.૨.૬૦ કરોડ અને રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ (રૂસા) માટે રૂા.૧૦ લાખના ચેક આપવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત એમ્ફિથિયેટર ખાતે ડોમ બનાવવાં, હેલ્થ સેન્ટરનું વિસ્તરણ, ટીચર્સ હોસ્ટેલનું સમારકામ અને સીદસર કેમ્પસની કંપાઉન્ડ વોલ બનાવવાનાં વિવિધ વિકાસ કાર્યોનું ડિજિટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે વિવિધ વિદ્યાશાખાઓમાં મેડલ પ્રાપ્ત કરનાર ડિગ્રી ધારકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડિગ્રી તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં.

આર્ટ્સમાં  ૪,૫૭૧, શિક્ષણમાં ૩૫૦, વિજ્ઞાનમાં ૨,૬૫૫, કાયદામાં ૯૪, તબીબીમાં ૪૩૭, કોમર્સમાં ૩,૪૨૨, રૂરલમાં ૧,૮૮૧, સંચાલનમાં ૩૨૭, હોમિયોપેથીમાં ૧૯૫, દંતવિદ્યામાં ૧૬૨, નર્સિંગમાં ૨૦૧, ઇજનેરીમાં ૨ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ વિદ્યાશાખાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૩૯ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક  અને ૪૦ વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિની પદવી એનાયત કરવામાં આવી હતી. આ અવસરે ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, ગારીયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, તળાજાના ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયા, ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ, શિક્ષણ અગ્ર સચિવશ્રી એસ.જે. હૈદર, કુલસચિવશ્રી ડો. કૌશિક ભટ્ટ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, વિવિધ વિભાગોના ડીનશ્રી, ફેકલ્ટીશ્રીઓ અને વિદ્યાર્થીઓ- વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts