મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે યુનિવર્સિટી દ્વારા તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન- પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો
યુનિવર્સિટી દ્વારા “ઉચ્ચ શિક્ષણના વિકાસમાં મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીનુ પ્રદાન” વિષે વ્યાખ્યાન યોજાયું
મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શિક્ષણ ક્ષેત્રે ભાવનગરનું નામ વૈશ્વિક ક્ષેત્રે ઉજાગર કર્યું હતું- પ્રો.ડૉ.શ્રી લક્ષ્મણ વાઢેળ
સૌરાષ્ટ્રમાં પરિવર્તનો સુરજ ભાવનગરમાં ઉગતો હતો અને પછીથી સુધારાનો પ્રવાહ સૌરાષ્ટ્રના બીજા પ્રદેશોમાં ફેલાતો હતો
ભાવનગરના નેક નામદાર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન- પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીની પૂણ્યતિથિ નિમિત્તે ઈતિહાસ અનુસ્નાતક ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે ડો.લક્ષ્મણ વાઢેર, (અધ્યક્ષ, ઈતિહાસ વિભાગ, શામળદાસ કોલેજ)નું “ઉચ્ચ શિક્ષણ ના વિકાસમાં મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીનુ પ્રદાન”વિશે વ્યાખ્યાન યોજાયું હતું.
તેમણે જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું શાસન સૂત્ર હતું કે, ‘શિક્ષિત પ્રજા એ રાજ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે.‘
ભાવનગરમાં ગોહિલ વંશના રાજાઓને પ્રજાવત્સલ રાજાઓ અને લોક મહારાજાઓનું સન્માન પ્રાપ્ત થયું છે. ૧૭૨૩માં મહારાજાશ્રી ભાવસિંહજી પહેલાએ સિહોર ખાતેથી ભાવનગરમાં રાજધાની સ્થાપી હતી.
તેઓનો મુખ્ય ઉદ્દેશ પ્રજાની સલામતી, શાંતિ અને સુખ સમૃદ્ધિનો હતો. એ પછીના શાસકોએ ભાવનગર રાજ્યનો વિસ્તાર કર્યો.પ્રજાની સલામતીની પ્રવૃત્તિઓ કરી સફળતાઓ પણ પ્રાપ્ત કરી હતી.
મહારાજાશ્રી તખ્તસિંહજીએ ભાવનગર રાજ્યમાં આધુનિક સુધારાઓ અને પ્રવૃત્તિઓ કરી હતી.આર્થિક શૈક્ષણિક સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરિવર્તન કર્યું હતું.
મહારાજા ભાવસિંહજી બીજાએ પણ પોતાના પિતાના માર્ગે ચાલીને ભાવનગરની પ્રગતિશીલ રાજ્યનો દરજ્જો અપાવ્યો હતો. એ જ સંસ્કારોનું ઘણતર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી પણ થયું હતું.
અંગ્રેજ અધિકારો પર ભાવનગરના શાસકોએ સુધારા પ્રવૃતિઓ દ્વારા એવો પ્રભાવ પાડ્યો હતો કે અંગ્રેજ અધિકારી એમ કહેતા હતાં કે, સૌરાષ્ટ્રમાં પરિવર્તનો સુરજ ભાવનગરમાં ઉગે છે.પછીથી સુધારાનો પ્રવાહ સૌરાષ્ટ્રના બીજા પ્રદેશોમાં ફેલાતો હતો.
ભાવનગરના શાસકોના સંસ્કારો અને પ્રગતિશીલ વિચારોના ઘડતરમાં અનેક પરિબળોની ભૂમિકા રહી છે. જેમ કે, ભૂમિનો પ્રભાવ, પ્રજાના ગુણો, માતાપિતાના સંસ્કારો, વફાદાર સેવકો આધ્યાત્મિક વિચારો અને યુગ પ્રભાવને લીધે તેઓ પ્રજાનું ભલું ઈચ્છતાં હતાં. ‘મારી પ્રજા સુખી થાઓ‘ એ સૂત્રનીપવિત્રતા સાચવતાં હતાં.
તેઓ પ્રજાને સુખ અને વિકાસના માર્ગે શિક્ષણને ગણતાં હતાં. મહારાજાશ્રી જશવંતસિંહજી, મહારાજાશ્રી તખ્તસિંહજી મહારાજાશ્રી તખ્તસિંહજી અને મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાની સુખાકારી માટે શિક્ષણને આવકારદાયક અને આવશ્યક માન્યું હતું.
૧૮ એપ્રિલ, ૧૯૩૧ના દિવસે મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક થયો હતો. આ જ દિવસે તેઓએ પ્રજાપ્રત્યેની પોતાના કર્તવ્યની ઘોષણા કરી હતી. ‘મારી પ્રજા સુખી થાઓ‘ એ રાજાનો મુખ્ય સંકલ્પ હતો.
૧૯૪૮માં ભાવનગર રાજ્યના શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો હતો તેની પાછળ તેમની શિક્ષણ પ્રત્યેની લગની અને કૃતનિશ્ચયતા હતી.
તેમણે ઈ.સ.૧૯૩૨થી ૧૯૪૮ સુધી એવાં અનેક વિદ્યાર્થીઓને યુરોપ અને અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણવા મોકલ્યાં હતાં, શિષ્યવૃત્તિઓ આપી હતી વિદ્વાન શિક્ષકોને વિદેશમાં ભણવાની સુવિધાઓ કરી આપી હતી.
એમાં, ડૉ.અનંત પંડ્યાને અમેરિકાની એમ.આઇ.ટી. માં અભ્યાસ કરવામાં મદદ કરી હતી. પછીથી ડૉ.અનંત પંડ્યા ભારત સરકારના પ્લાનિંગ કમિશન પણ જોડાયાં હતાં અને તેમણે જવાહરલાલ નેહરુને ભારતમાં યુરોપની એમ.આઇ.ટી. જેવી સંસ્થાઓ સ્થાપવાની સલાહ આપી હતી.જેને પરિણામે ભારતમાં ખડકપુર, મુંબઈ, કાનપુર, મદ્રાસ અને દિલ્હીમાં આઇ.આઇ.ટી. ની સ્થાપના થઈ હતી.
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી દ્વારા કોઈ વિદ્યાર્થી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય તો ભાવનગર રાજ્ય તરફથી આર્થિક મદદ કરવામાં આવતી હતી.આ વિદ્યાર્થીઓને વિદેશમાં ભાવનગર રાજ્યના રાજદૂત સમાન ગણવામાં આવતાં હતાં. આ વિદ્યાર્થીઓ વિદેશમાં ભાવનગરના સંસ્કારોનો ધ્વજ લહેરાવી તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી ઇન્ડિયન સિવિલ સર્વિસ માટેની પરીક્ષા આપે એવાં વિદ્યાર્થીને ભાવનગર મેડલથી સન્માનિત કરવામાં આવતાં હતાં.
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ વિદેશ જેવી યુનિવર્સિટીઓ ભાવનગરમાં સ્થાપવા માટે તેમણે જમીન ફાળવી હતી. મહેલને બદલે યુનિવર્સિટી સ્થાપવાની તેમની સમજણને કારણે જ આજે ભાવનગર યુનિવર્સિટી બની શકી છે.
તેઓ શિક્ષણના મહત્વને જાણનારા, સમજનારા, ખૂબ ઉમદા વ્યક્તિત્વવાળા ભાવનગરના મહારાજા હતાં.
ભાવનગરની અસ્મિતા, ભાવનગરના ગૌરવ અને પ્રતિષ્ઠાના સંરક્ષણના મસાલચી એવાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરની પ્રજાના હૃદયમાં અને સ્મૃતિઓમાં આથી જ સચવાયેલાં રહ્યા છે.
તેઓએ સર્વશ્રેષ્ઠ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી ભાવનગરના લોકોને સુખ સમૃધ્ધિ આપી હતી, એટલે જ મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી પ્રજાનાં હૃદયમાં લોકદેવતાની જેમ પૂજનીય રહ્યાં છે તેમ તેઓએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ શ્રી ડૉ એમ.એમ ત્રિવેદી, યુનિવર્સિટીના કુલ સચિવશ્રી ડો. કૌશિકભાઈ ભટ્ટ, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો એમ. જે. પરમાર, ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપકશ્રીઓ, વિવિધ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments