મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
આ ઘટના બાદ મહારાષ્ટ્ર પોલીસે મહાલ વિસ્તારમાં થયેલી હિંસામાં તાત્કાલિક તપાસ હાથ ધરીને ૧૫ લોકોની અટકાયત કરી છે. ભીડને ભગાવવા માટે પોલીસે અહીં લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘નાગપુર એક શાંતિપૂર્ણ શહેર છે તથા આ શહેર હળીમળીને રહેવા માટે જાણીતું છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપશો. અમે સતત પોલીસના સંપર્કમાં છીએ અને તમે પણ તંત્રનો સહયોગ કરો.‘
પ્રથમ હિંસા નાગપુરના મહેલમાં થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઉશ્કેરાયેલા ટોળાએ ૨૫થી વધુ બાઇક અને ત્રણ કારને આગ ચાંપી દીધી હતી. અત્યાર સુધીમાં ૬૦ થી ૬૫ તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે ૨૫ થી ૩૦ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યે મહેલ વિસ્તારમાં ચિટનીસ પાર્ક પાસે હિંસા પ્રથમ વખત ફાટી નીકળી હતી. બદમાશોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે કહ્યું કે આ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. અહીં બદમાશોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી. કેટલાક લોકોના ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ પછી જુના ભંડારા રોડ પાસેના હંસપુરી વિસ્તારમાં રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યાની વચ્ચે બીજી અથડામણ થઈ હતી. ટોળાએ અનેક વાહનોને સળગાવી દીધા હતા.
આ મામલે નાગપુર પોલીસનું કહેવું છે કે અફવાઓને કારણે અથડામણ થઈ હતી. નાગપુર પોલીસના ડીસીપી (ટ્રાફિક) અર્ચિત ચાંડકે જણાવ્યું હતું કે આ ઘટના ગેરસમજને કારણે બની હતી પરંતુ સ્થિતિ હવે નિયંત્રણમાં છે. પથ્થરમારો થયો હતો, તેથી અમે બળનો ઉપયોગ કર્યો અને ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો.
આ હિંસામાં ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. નાગપુરના પોલીસ કમિશનર ડૉ. રવિન્દર સિંઘલે ખાતરી આપી છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. દરમિયાન નાગપુરના પોલીસ કમિશનર ડો.રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. તેમણે કહ્યું કે હિંસા રાત્રે ૮ થી ૮:૩૦ વાગ્યાની વચ્ચે થઈ હતી, જેમાં બે વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા અને પથ્થરમારાની ઘટનાઓ નોંધાઈ હતી.
Recent Comments