fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ફરી વકર્યો કોરોના વાઈરસ, ૧ દિવસમાં ૧૫% કેસનો વધારો, ૩ લોકોના થયા મોત..

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના ૯૨૬ કેસ નોંધાયા હતા, જે ગુરુવારે ૮૦૩ થી વધુ કેસ છે. તે જ સમયે, આ દરમિયાન ૩ લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના આટલા કેસો સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા વધીને ૮૧,૪૮,૫૯૯ થઈ ગઈ છે. જેમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧,૪૮,૪૫૭ લોકોના મોત થયા છે. મુંબઈમાં ૨૪ કલાકમાં ૨૭૬ નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસ કરતા ૨૭ ટકા વધુ છે. જ્યારે ગોંદિયા, કોલ્હાપુર અને રાયગઢમાં ત્રણ મોત થયા છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૩ લોકો સાજા થયા છે. જે બાદ કોવિડથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૭૯,૯૫,૬૫૫ થઈ ગઈ છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૪,૪૮૭ થઈ ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે સમીક્ષા બેઠક યોજી હતી અને રાજ્યોને સતર્ક રહેવા અને કોવિડ-૧૯ મેનેજમેન્ટને લગતી તૈયારીઓની તપાસ કરવા જણાવ્યું હતું.

માંડવિયાએ રાજ્યોને સંક્રમણના વધુ કેસ ધરાવતા સ્થળોની ઓળખ કરવા, પરીક્ષણ વધારવા, માળખાગત સજ્જતા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. રાજ્યના આરોગ્ય પ્રધાનો, મુખ્ય અને વધારાના મુખ્ય સચિવો સાથેની ડિજિટલી આયોજિત બેઠકમાં, માંડવિયાએ રસીકરણને ઝડપી બનાવવા પણ કહ્યું. બીજી તરફ, મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે શુક્રવારે કહ્યું કે, રાજ્ય સરકારે કોવિડ -૧૯ સંબંધિત પરિસ્થિતિ પર તાત્કાલિક ધ્યાન આપવું જાેઈએ કારણ કે કેસ વધી રહ્યા છે. પવારે પુણેમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “તાજેતરમાં પૂરા થયેલા વિધાનસભા સત્ર દરમિયાન, અમે રાજ્ય સરકારને તેણે લીધેલા પગલાં વિશે પૂછ્યું હતું અને કોવિડ-૧૯ એ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનવાની યોજના વિશે પૂછ્યું હતું. ચિંતા વ્યક્ત કરતા પવારે કહ્યું કે, સંક્રમણની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિને ગંભીરતાથી લેતું નથી.

Follow Me:

Related Posts