મહારાષ્ટ્રમાં બીજેપીના ૯ અને શિંદે જૂથના ૯ને મંત્રી પદ અપાયું
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. ભાજપ અને શિંદે જૂથમાંથી ૯-૯ ધારાસભ્યોએ શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કુલ ૧૮ ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા. સૌથી પહેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે શપથ લીધા હતા અને ત્યારબાદ બીજા નંબરે ભાજપના જ વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા. શપથ લેનારાઓમાં ભાજપ તરફથી ચંદ્રકાન્ત પાટિલ, સુધીર મુનગંટીવાર, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરિશ મહાજન, સુરેશ ખાડે, રવિન્દ્ર ચૌહાણ, મંગળ પ્રભાત, વિજયકુમાર ગાવિત અને અતુલ સાવે સામેલ છે.
બીજી બાજુ એકનાથ શિંદે જૂથમાંથી દાદા ભૂસે, ઉદય સામંત, ગુલાબરાવ પાટિલ, તાનાજી સાવંત, સંજય રાઠોડ અને સંદીપન ભૂમારે, દીપક કેસરકરે શપથ લીધા. હાલ જાે કે સ્પષ્ટ નથી કે કયા નેતાને કયો વિભાગ ફાળવવામાં આવશે. પરંતુ ચર્ચા છે કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે. આ ઉપરાંત અનેક મહત્વના મંત્રાલય ભાજપના ફાળે જઈ શકે છે. શપથ ગ્રહણ પહેલા ફડણવીસ સાથે ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હતી. આ ઉપરાંત એકનાથ શિંદે જૂથની પણ બેઠક થઈ હતી.
એકનાથ શિંદે સરકારના કેબિનેટ વિસ્તારમાં સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ મહિલા નેતાને મંત્રી બનવાની તક મળી નથી. આ વિસ્તરણ સાથે મહારાષ્ટ્ર મંત્રી પરિષદના સભ્યોની સંખ્યા વધીને ૨૦ થઈ છે. અત્રે જણાવવાનું કે ૩૦ જૂનના રોજ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હતા. ત્યારથી બંને સરકાર ચલાવતા હતા. પરંતુ કેબિનેટ વિસ્તરણ ન થયું હોવાના કારણે ચર્ચાઓ થઈ રહી હતી. નોંધનીય છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ શિવસેનાના અન્ય ધારાસભ્યો સાથે મળીને ઉદ્ધવ ઠાકરેની સરકાર પાડી હતી.
Recent Comments