મહારાષ્ટ્ર સરકાર મ્યુકરમાઇકોસિસના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે
ગુજરાત સહિતના સંખ્યાબંધ રાજ્યોમાં કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓ મ્યુકરમાઇકોસિસ નામના ઘાતકી રોગનો શિકાર બની રહ્યા છે. આ રોગની સારવાર ઘણી લાંબી અને દવાઓ ઘણી મોંઘી હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રની સરકારે એક આવકાર્ય પહેલ કરી છે.
મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ મંગળવારે જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસ રોગનો ભોગ બની રહેલા દર્દીઓની રાજ્યની આરોગ્ય વીમા યોજના અંતર્ગત વિનામૂલ્યે સારવાર કરાશે અને સરકાર મોંઘીદાટ એન્ટિફંગલ દવાઓની કિંમતો પર લગામ કસશે. મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના અંતર્ગત રાજ્યની ૧૦૦૦ હોસ્પિટલો સામેલ છે. આ હોસ્પિટલોમાં બ્લેક ફંગસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાશે. એમ્ફોટેરિસિન બી અત્યંત મોંઘી દવા છે. તેથી અમે દવાની કિંમત પર લગામ કસવાનો ર્નિણય પણ લેવાના છીએ. એમ્ફોટેરિસિનના એક વાયલની કિંમત રૂપિયા ૫,૦૦૦થી રૂપિયા ૮,૦૦૦ છે. આ દવા દર્દીએ ૪થી ૧૨ સપ્તાહ લેવાની રહે છે. દર્દીની એક દિવસની સારવાર પાછળ રૂપિયા ૬૦,૦૦૦થી રૂપિયા ૮૦,૦૦૦નો ખર્ચ થાય છે.
ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના ૩ દર્દી મળી આવ્યા હતા. મધ્યપ્રદેશમાં રાજધાની ભોપાલમાં મ્યુકરમાઇકોસિસના ઓછામાં ઓછા ૭ કેસ સામે આવ્યા છે. બિહારની રાજધાની પટનામાં બ્લેક ફંગરના ૪ અને ઝારખંડની રાજધાની રાંચીમાં ૭ કેસ નોંધાયા છે. જેમાંથી ૪ દર્દીઓ પર સર્જરી કરાઇ છે.
Recent Comments