ગુજરાત

મહિલાએ સ્કોચ વ્હિસ્કીનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો, પીસીબી પોલીસે મહિલાની ધરપકડ કરી, દારૃનો જથ્થો કબજે કર્યો

હરિયાણાથી લેબોરેટરી કેમિકલના બોગસ બિલની આડમાં સ્કોટલેન્ડ બનાવટની સ્કોચ વ્હિસ્કીનો જથ્થો મહિલાએ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હતો.જે દારૃ પીસીબી પોલીસે ઝડપી પાડયો હતો. આ કેસમાં સામેલ અને છેલ્લા છ મહિનાથી પોલીસ ધરપકડથી દૂર મહિલાને પીસીબી પોલીસે ઝડપી પાડી સંલગ્ન પોલીસને હવાલે કરી છે. ગત ૨૮ મી એપ્રિલે પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, એક મહિલા વિદેશી દારૃનો ધંધો કરે છે. તે ટ્રાન્સપોર્ટ કંપનીઓ મારફતે વિદેશી દારૃનો જથ્થો હનુમાન ઇલેક્ટ્રિકલના નામે લાકડાના બોક્સમાં મંગાવી વેચાણ કરે છે.

હાલમાં તેણે મંગાવેલો દારૃનો જથ્થો હાઇવે સિદ્ધેશ્વર હિલ સ્ક્વેરની બાજુમાં આવેલા મિનાક્ષી કંપાઉન્ડમાં સી.આર.આઇ. રોડવેઝ પ્રા.લિ. નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવ્યો છે. પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને ચેક કરતા સ્કોટલેન્ડ બનાવટની રેડ લેબલ સ્કોચ વ્હિસ્કીની ૧,૦૪૪ બોટલ કિંમત રૃપિયા ૨૦.૮૮ લાખની મળી આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી સોનલ ભદ્રસિંહ ઠાકોર ( રહે. પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વિલા, ગોત્રી સેવાસી રોડ, મૂળ રહે. દિપક સોસાયટી, ન્યૂ સમા રોડ) નું નામ ખૂલતા પોલીસ તેને શોધી રહી હતી.

છેલ્લા છ મહિનાથી વોન્ટેડ મહિલા હાલમાં તેના ઘરે આવી હોવાની માહિતી એ.એસ.આઇ. અરવિંદભાઇને મળી હતી. પીસીબી પી.આઇ. સી.બીં.ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇ સોનલ ઠાકોરને ઝડપી લીધી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, તેના લગ્ન હિમાચલ પ્રદેશના યુવક સાથે થયા હતા. પતિના મૃત્યુ પછી તેઓના ટ્રાન્સપોર્ટના ધંધાના બાકી નીકળતા રૃપિયાની રિકવરી માટે તેણે બે ટ્રીપમાં વિદેશી દારૃ મોકલી ૫.૫૦ લાખ વસુલ કર્યા હતા. ત્યારબાદ બાકી નીકળતા ૬ લાખ લેવા માટે તેણે ત્રીજી ટ્રીપમાં દારૃ મોકલ્યો હતો. જે દારૃનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.

Related Posts