રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને હાથોહાથ સીધો મળે તેવા આશયથી યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાના લાભાર્થીઓને સરકારશ્રીની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓના લાભ-કીટ અને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ગરીબ કલ્યાણ મેળામાં અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામના રાધિકા સખી મંડળની સાફલ્ય ગાથા રાધિકા સખી મંડળના સંચાલક મનિષાબેન ગાજીપરાએ જણાવી હતી. રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના અંતર્ગત આ સખી મંડળને રુ.૫૦૦૦ રિવોલ્વીંગ ફંડ મળ્યું હતું અને આ બહેનોએ તેમની મહેનત અને ધગશથી વિવિધ ઉત્પાદો અને તાલીમ દ્વારા આ સખી મંડળને રુ.૧૨ લાખનું ફંડ ધરાવતું એક સફળ સખી મંડળ બનાવ્યું છે.
સખી મંડળ વિશે માહિતી આપતા મનિષાબેન ગાજીપરાએ જણાવ્યું હતું કે, અમે મહિલાઓએ તેમની ૧૦૦-૧૦૦ રૂપિયાની બચતથી સખી મંડળની શરુઆત કરી હતી. ત્યારબાદ મને એસ.બી.આઈ. આર.એસઈ.ટી.ઈ. અંતર્ગત બેંક સખી સહિતની તાલીમ આપવામાં આવી હતી. આજે હું ટ્રેનર તરીકે કાર્ય કરું છું અને અમે રુ.૧૨ લાખનું ફંડ ઊભું કર્યુ છે. સખી મંડળની બહેનોને તાલીમ દ્વારા આત્મવિશ્વાસ મળ્યો છે અને આજે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અમે ઉત્પાદનો વેચી રહ્યા છીએ. અમે સખી મેળાઓમાં અને પ્રદર્શનોમાં પણ ભાગ લઈએ છીએ અને અમારા મંડળની બહેનો મહિને રુ. ૫ થી ૬ હજારની આવક મેળવી રહ્યા છીએ. અમરેલીમાં ખેડૂત તાલીમ ભવન ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લાના ૫૨૨ પુરુષો અને ૧,૮૪૦ મહિલાઓ સહિત ૨,૩૬૨ લાભાર્થીઓને રુ.૮,૬૮,૩૦,૩૯૯ કરોડની સહાય-સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.
Recent Comments