મહિલા આયોગની માગણી, સાજિદને બિગ બોસમાંથી હાંકી કાઢો
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓના શોષણ મામલે વગોવાયેલા સાજિદ ખાને રિયાલિટી શો બિગ બોસમાં એન્ટ્રી કરતાં જ વિવાદનો મધપૂડો ઊડ્યો છે. સાજિદ ખાન પર જાતિય સતામણીનો આરોપ લગાવનારી મંદાના કરીમીએ તો આવા વ્યક્તિના વેલકમથી દુઃખી થઈને એક્ટિંગને જ અલવિદા કહેવાની જાહેરાત કરી છે. હવે દિલ્હી કમિશન ફોર વીમેનના અધ્યક્ષે પણ આ મામલે ઝુકાવ્યું છે અને સાજિદ ખાનની શોમાંથી હકાલપટ્ટી કરવાની માગણી સાથે કેન્દ્રી સૂચના-પ્રસારણ મંત્રીને પત્ર પાઠવ્યો છે. બિગ બોસ ૧૬ના પ્રિમિયરમાં સૌથી છેલ્લે સાજિદ ખાને ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શો દરમિયાન સાજિદે સલમાન ખાનને જણાવ્યુ હતું કે, પાછલા ચાર વર્ષથી તે બેરોજગાર ફરી રહ્યા છે.
પોતે અભિમાની અને તુંડમિજાજી થઈ ગયા હોવાનુંસાજિદે સ્વીકાર્યું હતું. જાે કે તેની આ કબૂલાત બાદ પણ બિગ બોસમાં તેના પ્રવેશનો વિરોધ અટક્યો ન હતો. સોશિયલ મીડિયાથી માંડીને ટીવી-ફિલ્મ સ્ટાર્સે પણ સાજિદ ખાન જેવા વ્યક્તિને રિયાલિટી શોમાંથી હાંકી કાઢવા માગણી કરી હતી. સાજિદ ખાનને બચાવવા માટે બિગ બોસ ૧૬ના સંચાલકો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સાજિદ ખાન સામે મોરચો માંડ્યો છે. સ્વાતિએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર પાઠવીને આ શોમાંથી સાજિદ ખાનને હાંકી કાઢવા માગણી કરી છે. સ્વાતિએ આ મામલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, સાજિદ ખાન સમે ૧૦ મહિલાઓના જાતિય શોષણનો આરોપ લાગેલો છે. આ બધા કેસ સાજિદની ધૃણાસ્પદ માનસિકતા બતાવે છે.
આવા માણસને બિગ બોસમાં સ્થાન આપવાનો ર્નિણય ખોટો છે. તેથી અનુરાગ ઠાકુરને પત્ર લખી સાજિદને શોમાંથી હટાવવા જણાવ્યું છે. મી ટુ ઝુંબેશ દરમિયાન સાજિદ ખાન સામે મહિલા એક્ટર્સે લગાવેલા આરોપની ગંભીરતા જાેઈને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશને ૨૦૧૮માં એક વર્ષ માટે તેની હકાલપટ્ટી કરી હતી. પાછલા ચાર વર્ષથી સાજિદ ખાન જાણે કે બોલિવૂડમાંથી ગાયબ છે. સાજિદના બિગ બોસમાં સમાવેશ સામે મંદાના કરીમી ઉપરાંત ઉર્ફી જાવેદ, દેવોલિના ભટ્ટાચાર્જી અને કામ્યા પંજાબી જેવા એક્ટર્સે પણ વાંધો ઊઠાવ્યો છે.
Recent Comments