અમરેલી

મહિલા સશક્તિકરણ માટે યોગઃ અમરેલી જિલ્લામાં ૨૧ જૂને વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી થશે

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી યોગિક ક્રિયાના સાર્વત્રિક મહાત્મ્ય માટે તા.૨૧ જૂનના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી થશે. આ કાર્યક્રમની ઉજવણી માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ઉજવણી સંદર્ભે પૂર્વ તૈયારીઓ અને આયોજન અર્થે અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીએ દિશાદર્શન કર્યુ હતુ.

             યોગ એ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન છે, યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે તા.૧૬ થી તા.૨૦ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યોગ કાર્યક્રમો યોજાશે. મહત્વનું છે કે, વર્ષ-૨૦૨૪ની ઉજવણીમાં મહિલા સશકતિકરણ થીમ રહેશે.

તા.૨૧ જૂન, ૨૦૨૪ના રોજ અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. વિશ્વ યોગ દિન  પૂર્વે તા.૧૬ થી તા.૨૦ જૂન દરમિયાન સ્પોર્ટસ સંકુલ-અમરેલી, ભુરખિયા મંદિર, ગજેરા સંકુલ-અમરેલી, આંબરડી સફારી પાર્ક-ધારી, દીકરાનું ઘર-અમરેલી, સરકેશ્વર બીચ- જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, શિયાળબેટ માધ્યમિક શાળા, ચલાલા, દામનગર, સાવરકુંડલા, લીલીયા, ખાંભા, બાબરા સહિતના શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીમાં વિવિધ ખાનગી કંપનીઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થા-શાળાઓ સહિતની જુદાં-જુદાં ક્ષેત્રની ખાનગી સંસ્થાઓ જોડાશે.

       જિલ્લાના વિવિધ સ્થળો પર થતી ઉજવણીમાં આઇકોનિક સ્થળ, પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક થી ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને મહાશાળાઓમાં યોગ દિનની ઉજવણી થશે. વરસાદની સ્થિતિ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા થઇ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય યોગ શિક્ષક માટે અલગ બેઠક વ્યવસ્થા રહેશે. દિવ્યાંગજનો પણ યોગ દિન ઉજવણી કાર્યક્રમમાં જોડાશે.

      અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને, તેમણે કરવાની કામગીરી અંગે જરુરી સૂચન કર્યા હતા. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી, જિલ્લા યોગ કો-ઓર્ડિનેટરશ્રી સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts