મહુવાથી ભાવનગર વચ્ચે આવેલા તળાજા પાસે કાર અને આઇસર વચ્ચે અકસ્માત, ચાર લોકોનાં મોત
મહુવાથી ભાવનગર વચ્ચે આવેલા તળાજા પાસે તળાજાના શેત્રુંજી નદીના પુલ પર સ્વિફ્ટ કાર અને આઇસર વચ્ચે ભયજનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. અકસ્માત એટલો ઘાતક હતો કે, કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ચારેય મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર ગામ શોકાતુર બન્યું છે. અકસ્માત એટલો ભયજનક હતો કે અકસ્માતમાં ભોગ બનેલી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે તેનાથી ભયાનક પરિણામ કારમાં બેસેલા વ્યક્તિઓનું આવ્યું હતું, જેમણે અકસ્માતને પગલે પોતાનું અણમોલ જીવન ગુમાવવું પડ્યું હતું.
તળાજાના શેત્રુંજી નદીના પુલ પરથી પસાર થઇ રહેલી સ્વિફ્ટ કારને એવી ગંભીર ટક્કર વાગી હતી કે, કારમાં બેસેલા ચારે- ચાર વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે મહિલાઓ અને બે પુરુષોનાં મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, કાર નેશનલ હાઇવે નંબર ૮ પરથી પસાર થઇ રહી હતી, જેની કામગીરી ચાલુ છે. શેત્રુંજી નદી પર થયેલા અકસ્માતમાં મહુવા તાલુકાના નેપ ગામના લોકો મોતને ઘાટ ઉતર્યા હોય તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. અકસ્માતનાં સ્થળે પોલીસ દોડી આવી હતી અને પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના કુટુંબીજનોને જાણ કરીને તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કવાયત હાથ ધરી છે.
Recent Comments