મહુવાના ખૂંટવડા ગામે દીપડાએ વૃદ્ધને મારી નાંખતા પંથકમાં ચકચાર મચી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે છેલ્લા ઘણા સમયથી સાવજ, દીપડા જેવા પશુઓ માનવ વસાહતમાં આવી ચડે છે. અને ગ્રામજનો તથા માલધારીઓના દૂધાળા પશુઓ પર હુમલા કરી ઘણાં ખરાં કિસ્સામાં મોત પણ નિપજાવે છે. જેમાં મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે વહેલી પરોઢે ગામથી થોડે દૂર શૌચાલય જઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કરી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચાડતા વૃદ્ધે ઘટના સ્થળે દમ તોડ્યો હતો.
આજે વહેલી પરોઢે મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ ભાણાભાઈ ચિથરભાઈ બારૈયા ગામની સીમમાં શૌચક્રિયા માટે જઈ રહ્યાં હતાં. તે સમયે ગામથી થોડે દૂર દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો. અને ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ લોકોને થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વૃદ્ધને તપાસતા ગંભીર ઈજાને પગલે વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ અંગે મોટા ખૂંટવડા પોલીસ તથા વનવિભાગને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જાે લઈ પીએમ માટે સીએચસી સેન્ટરમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે વનવિભાગના આર.એફ.ઓ આર.આર.ચૌહાણ, ફોરેસ્ટર એસ.બી.ભરવાડ, બીટગાર્ડ જે.પી. જાેગરાણા, વી.જી.વાઘેલા, જે.પી.ચૌહાણ, સી.એસ.ભીલ, મતાબેન, જયશ્રીબેન, મકાભાઈ, અમિતભાઈ દ્વારા પિંજરા ગોઠવીને વન્ય પ્રાણીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.
Recent Comments