મહુવાના વરિષ્ઠ પત્રકાર-લેખક પ્રોફેસર મનોજભાઇ જોશીની સિદ્ધિ
મહુવા કોલેજના નિવૃત્ત પ્રોફેસર ડૉક્ટર મનોજ જોશી વર્ષોથી પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય છે. પોતે અર્થશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી છે. ઉપરાંત તેઓ ડીપ્લોમા ઈન યોગ એજ્યુકેશન અને ડિપ્લોમા ઇન નેચરોપથીની યોગ્યતા પણ ધરાવે છે. પત્રકારત્વ પ્રત્યેના લગાવને લીધે તેમણે જૂલાઇ – ૨૦૨૩ માં સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાંથી “પીજી ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન” નો અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે. આ સાથે જ એમણે એમની યશકલગીમાં પત્રકાર તરીકેની યુનિવર્સિટીની પદવી રૂપી પીંછું ઉમેરી દીધું છે. ઉલ્લેખનીય છે કે શ્રી મનોજભાઇ જોશીએ ઉંમરના સીત્તેર વર્ષના પડાવ પર આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
વર્ષોથી તેઓ પોતાના વ્યક્તિગત રસને કારણે સ્વેચ્છાએ પૂજ્ય મોરારીબાપુની રામકથાનો લાઇવ કથાસાર લખે છે. આ રીતે જુદાજુદા દૈનિક અખબારો દ્વારા ભાવકો સુધી બાપુના વચનામૃતને શબ્દ દેહે પહોંચાડવાનું સાધુ કર્મ તેઓ કરી રહ્યા છે. આ પૂર્વે કૈલાસ ગુરુકૂળમાં યોજાતા કાર્યક્રમોના અહેવાલ લેખનનું કાર્ય પણ તેમણે વર્ષો સુધી કર્યું છે. મુંબઈથી પ્રકટ થતાં “મુંબઈ તરંગ” (હિંદી) , વાપીથી પ્રસિદ્ધ થતાં “મુંબઈ તરંગ” (ગુજરાતી), વલસાડથી પ્રસિદ્ધ થતાં “વલસાડ કેસરી”, સાવરકુંડલાના પ્રસિદ્ધ અખબાર “કેડી” માં તેઓ માનદ્ પત્રકાર તરીકે સેવારત છે. વિવિધ મેગેઝીન માં તેમની વાર્તાઓ પણ પ્રકટ થઇ છે. ઓનલાઇન નવલકથા સ્પર્ધામાં પ્રતિલિપિના પ્લેટફોર્મ પર તેમની નવલકથા “નાયક ખલનાયક”ને નિર્ણાયકોએ પ્રથમ પુરસ્કાર આપેલ છે.મહુવા અને ભાવનગર જીલ્લાના પત્રકાર મિત્રોએ શ્રી મનોજભાઇ જોશીને તેમની આ ઉંમરે મેળવેલી સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે.
Recent Comments