સૌરાષ્ટ - કચ્છ

મહુવામાં બારપરા વિસ્તારમાં તસ્કરોએ એક ઘરમાં પ્રવેશી ૯.૨૯ લાખની ચોરી કરી ફરાર થયા

મહુવાના બારપરા વિસ્તારમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયો હતો. તે દરમિયાન બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટ અને પટારામાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂ. ૯.૨૯ લાખની માલમત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મહુવાના બહારપરા, મહાલક્ષ્મી મંદિર પાછળ આવેલા બચુભગતવાળા ખાંચામાં સંયુક્ત પરિવારમાં રહેતા અને જનતા પ્લોટ વિસ્તારમાં હાર્ડવેરની દુકાન ધરાવતા અશોકભાઈ કાબાભાઈ ભાલરીયા પરિવાર સાથે અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયા હતા. તે દરમિયાન બંધ મકાનના લોખંડના ડેલાનું તાળું તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ઘરમાં રાખેલા લોખંડના કબાટ અને પટારામાંથી રોકડા રૂપિયા, સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ. ૯.૨૯ લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અશોકભાઈએ મહુવા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts