મહેમદાવાદના સિંહુજ દુધ મંડળીમાં લાખોની ઉચાપતની ફરિયાદ નોંધાઈ
મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામે રહેતા ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર ગામની દૂધ મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ગામ નજીક લક્ષ્મીપુરામાં રહેતા ફતેસિંહ મંગળસિંહ ચૌહાણ આ દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેમજ મંડળીમાં દાણ વેચાણ કર્મચારી તરીકે ગામના હાર્દિક કલ્યાણભાઈ રબારી કામ કરતા હતા. જેઓ દાણ વેચાણનો હિસાબ-કિતાબ રાખતા હતા. દર વર્ષે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જિલ્લા રજીસ્ટ્રારની કચેરી નડિયાદ તરફથી ઓડીટ કરવામાં આવે છે. ગત તારીખ ૧ એપ્રિલ ૨૦૧૮થી ૩૧ માર્ચ ૨૦૨૧ની ઓડિટ કરવામાં આવતા દૂધ મંડળીમાં મોટાપાયે ગોલમાલ આચરી હોવાનું ખુલ્યું હતું.
જે તે વખતના સેક્રેટરી ફતેસિંહ ચૌહાણે તેમના ખાતે ઉધાર કરેલી રકમ રૂપિયા ૨ લાખ ૮૮ હજાર ૫૧૯ની ઉચાપત કરી હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી તેમને આ નાણાં ભરપાઈ કરવા જણાવતા માજી સેક્રેટરી ફતેસિંહ ચૌહાણે ઊચાપતની રકમ પૈકી ૧ લાખ ૩૩ હજાર ૫૧૯ ત્યાં જમા કરાવ્યા હતા. જ્યારે બાકી રહેલા ૧ લાખ ૫૫ હજાર પૈસા મંડળીમાં જમા નહીં કરાવતા આ નાણાંની ઉચાપત આચરી પોતાના અંગત કામે વાપરી નાખ્યા હોવાનું પર્દાફાશ થયો છે. આ સાથે મંડળીના દાણ વેચાણ કર્મચારી હાર્દિકભાઈ રબારીએ પણ અમુલ દાન તેમજ સ્થાનિક દૂધનો વકરો વગેરેના કુલ રૂપિયા ૯૭ હજાર ૯૬૦ની ઉચાપત આચરી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ રકમ તેઓએ પોતાના ફાયદા માટે અંગત કામમાં વાપરી દીધી હોવાનું જણાઇ આવતાં મંડળી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો.
જેથી આ બંને સામે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી નડિયાદે પોલીસ ફરિયાદ નોંધાવવા લેખિત હુકમ કરતા આજે ગુરૂવારના રોજ મંડળીના ચેરમેન ગજેન્દ્રસિંહ પરમારે ઉપરોક્ત બંને સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઉચાપતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લાના મહેમદાવાદના સિંહુજમાં દૂધ મંડળીમાં લાખોની ઉચાપતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મંડળીના માજી સેક્રેટરી તથા દાણ કર્મીએ દૂધ મંડળીના નાણા ચાંઉ કરતા બંને સામે મહેમદાવાદ પોલીસમાં ચેરમેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઉચાપતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments