ગુજરાત

મહેમદાવાદમાં કેબિનેટમંત્રી અર્જુનસિંહના હસ્તે આઈસીયુ વોર્ડનું લોકાર્પણ

ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામે આવેલા સીએચસી સેન્ટર ખાતે મહેમદાવાદના ધારાસભ્ય અને સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે ત્રણ પથારી ધરાવતા અદ્યતન આઇસીયુ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આઇસીયુ યુનિટ માટે મંત્રીની ગ્રાન્ટમાંથી રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. મહેમદાવાદ તાલુકાના નાગરિકોને આરોગ્યલક્ષી મોટી સુવિધા ઉપલબ્ધ થઇ છે.

અગાઉ ગંભીર દર્દીઓની સારવાર માટે દર્દીઓને નડિયાદ અથવા અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઇ જવામાં આવતા હતા, હવે આ સગવડ ઉભી થવાથી આ વિસ્તારના નાગરિકોને રાહત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેમદાવાદ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આ દવાખાનામાં સારી સગવડ મળી રહેતી હોવાથી દર્દીઓને સારવારમાં રાહત રહે છે અને ખોટા ખર્ચમાં બચાવ થાય છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, ઇનચાર્જ આરોગ્ય અધિકારી ર્ડા.કાપડીયા, ડૉ. ડી.આર.પટેલ, ર્ડા. મેધા શાહ, મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ શીલાબેન વ્યાસ, કોર્પોરેટરો નિલેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય નટવરસિંહ, આરોગ્ય અધિકારીઓ, ડોકટરો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts