મહેસાણાથી મહુડી જતાં જીપીએસસીના અધિકારીનું ગાડી પલટતાં મોત, ૪ને ઇજા પહોચી
મહેસાણામાં રહેતા અને દાહોદના મોટી ખેરજ ગામના વતની ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળમાં ડેપ્યુટી ડાયરેક્ટર સુરેન્દ્રસિંહ ખપેડ પરિવાર સાથે રવિવારની રજા હોઇ ગાડી લઇ મહુડી દર્શને જવા નીકળ્યા હતા, ત્યારે રામપુરા ચોકડી અને દેવરાસણ વચ્ચે તેમની ગાડી રોડની સાઇડમાં કિલોમીટરના પથ્થર સાથે ટકરાતાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં સુરેન્દ્રસિંહ ખપેડનું મોત થયું હતું. જ્યારે અન્ય ચારેક જણાને ઇજા થતાં સિવિલમા લવાયા હતા. મહેસાણા શહેરમાં વિસનગર લીંક રોડ પર તિરૂપતિ હર્ષ રેસીડેન્સીમાં રહેતા સુરેન્દ્રભાઇ ખપેડ રવિવારે સવારે તેમના મિત્રની ગાડી (જીજે ૦૯ બીએફ ૩૨૦૫) લઇ પુત્ર યુમિત, તેમના પિતા, માતા, બહેન સહિતની સાથે મહુડી દર્શન કરવા નીકળ્યા હતા.
ગાડી સુરેન્દ્રભાઇ ચલાવતા હતા. સવારે રામપુરા ચોકડીથી દેવરાસણ તરફના રોડ ઉપર ગાડી રોડ સાઇડે કિલોમીટર દર્શાવતા પથ્થર સાથે ટકરાઇને પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ઘાયલ તમામને ૧૦૮માં મહેસાણા સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જ્યાં તબીબે સુરેન્દ્રસિંહ ભગવાનભાઇ ખપેડ (૪૫)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભગવાનભાઇ વિરસંગભાઇ ખપેડને વધુ સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર યુમીતકુમાર ખપેડે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
Recent Comments