મહેસાણામાં અન્નક્ષેત્ર ચલાવતા ૮ સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ
મહેસાણા શહેરના રેલવે સ્ટેશન પર ૨૪ વર્ષ પૂર્વે રેલવે સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ભિક્ષુકોને જમાડવા બાપા સીતારામ જલસેવા અને અન્નક્ષેત્ર નામની સંસ્થા ચાલુ કરાઇ હતી. જેમાં આજુબાજુમાંથી પૈસા ઉઘરાવીને દરરોજ ભિક્ષુકોને જમાડવામાં આવતા હતા. પરંતુ સમય જતાં ધીરે ધીરે આ સંસ્થામાં ડોનેશન વધુ આવવાનું શરૂ થતાં વર્ષ ૨૦૦૫માં ડોનેશન સારું બાપા સીતારામ જલસેવા અન્નક્ષેત્ર નામની પાવતી બુકો છપાવી દાતાઓને આપવામાં આવતી હતી. જેનો હિસાબ સૌપ્રથમ રામજીભાઈ પ્રજાપતિ રાખતા હતા અને ૨૦૦૭માં હિસાબમાં કોઈ ભૂલચૂક આવતાં આ હિસાબ તેમણે મનોજ ગુલવાણીને આપ્યો હતો. કેટલાક સમય બાદ મનોજભાઈએ આ હિસાબ મુકેશભાઈ આત્મારામ પટેલને આવ્યો હતો. ત્યારથી આજ દિન સુધી આ હિસાબ મુકેશભાઈ પાસે છે. દરમિયાન નીચા ભાટવાડાના રણાવાસમાં રહેતા વિષ્ણુભાઈ ધનજીભાઈ બારોટે આ સંસ્થામાં ૨૦૨૧માં રૂ.૧૧૦૦નું અને ત્યારબાદ રૂ.૫૦૦નું પાવતી મેળવી દાન આપ્યું હતું. વિષ્ણુભાઈએ દાન આપ્યા બાદ આ સંસ્થાની નોંધણી અને હિસાબ અંગે મુકેશભાઈને પૂછતાં તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમણે તપાસ કરતાં ૨૦૦૫ થી ૨૦૧૨ દરમિયાન મુકેશભાઈ સહિત ૭ જેટલા વ્યક્તિઓએ મહેસાણા રેલવે સ્ટેશન પાસે બાપા સીતારામ જલસેવા અને અન્નક્ષેત્ર નામની સંસ્થા ચાલુ કરી ભંડોળ એકત્ર કરવા ધાર્મિકના નામે પાવતીઓ છપાવી લોકોનો વિશ્વાસ સંપાદન કરી સંસ્થાના નામે ભંડોળ એકત્ર કરેલું છે
અને આ ભંડોળ તેમના વ્યક્તિગત ખાતામાં જમા કરાવી રજીસ્ટર સંસ્થા ન હોવા છતાં પાવતી બુકો છપાવી લોકો પાસેથી દાન લીધું હોવાનું બહાર આવ્યું હતું. આમ, ૨૦૦૫થી બાપા સીતારામ જલસેવા અને અન્નક્ષેત્ર નામની કથિત સંસ્થા ચલાવી સંસ્થાના નામે પાવતીઓ છપાવી બાપા સીતારામના નામે દાતાઓ પાસેથી મોટી રકમના નાણાકીય લાભો મેળવી સંસ્થાની કોઈ નોંધણી નહીં કરાવી કપટપૂર્વકનો દસ્તાવેજ બનાવી વીજ કનેક્શન મેળવવા જીઇબીમાં રજૂ કરી દાતાઓ પાસેથી પાવતીથી મેળવેલ નાણાં પોતાના વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવી સરકારની ટેક્સ ચોરી અને દાતાઓ સાથે છેતરપિંડી કરવાના આક્ષેપ સાથે વિષ્ણુભાઈ બારોટે મુકેશભાઈ પટેલ સહિત ૮ વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.મહેસાણા રેલવે સ્ટેશન પાસે બાપા સીતારામ નામનું અન્નક્ષેત્ર ચલાવતા સંચાલકો દ્વારા પાવતીઓ છપાવી દાતાઓ પાસેથી ઉઘરાવેલા નાણાં વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવી સરકારની ટેક્સ ચોરી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ૮ કર્તાહર્તાઓ સામે ઠગાઇ, છેતરપિંડી, કાવતરું સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ખળભળાટ મચી ગયો છે.
Recent Comments