ભાવનગર

માંગલ ધામ ભગુડા પાટોત્સવ, એવોર્ડ વિતરણ તથા સંતવાણી

 ભગુડા ગામે આવેલાં લાખો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન માંગલ ધામમાં સોમવારે 28માં પાટોત્સવ સાથે 10માં માંગલ શક્તિ એવોર્ડ સમારોહ પૂ. મોરારિબાપુ તથા સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં  યોજાયો હતો જેમાં દિવસભર ભાવિકોનો પ્રવાહ માતાજીના દર્શનાર્થે વહેતો રહ્યો હતો જયારે રાત્રે લોક ડાયરામાં હૈયે હૈયું દળાયું હતું. ભોજન, પાર્કિંગ સહિતના માટે શિસ્તબધ્ધ સ્વયમ સેવકોની જબ્બર વ્યવસ્થા જોવા મળી હતી.

  માઁ ના શ્રદ્ધા અને ભરોસાથી સમગ્ર કાર્યો સુખરૂપ રીતે પાર પડે છે. ભગૂડા ધામ લાખો-  લોકોની શ્રદ્ધા, આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પાટોત્સવના (વૈશાખ સુદ 12)દિવસે દર વર્ષની જેમ માંગલ શક્તિ એવોર્ડ 2024 દ્વારા માતૃશક્તિની વંદના, ગુણગાન કરતાં અને લોક સાહિત્યમાં પોતાનું અનન્ય પદાર્પણ કરી ચૂકેલા એવા સાહિત્યકારો અને પ્રબુદ્ધજનોને વંદના કરવાનો અવસર હતો. પૂ. મોરારીબાપુની  સન્નિધિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં  પિંગળશીબાપુ લીલા, થાર્યા ભગત- કચ્છ, ગૌરીદાસ બાપુ વડાળ,મનુભાઈ ગઢવી, પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ, ભવાનીશંકર જોશી, અને ડો.શ્રીમતી ઇન્દુબેન પટેલને પુષ્પમાળા, શાલ,સન્માનપત્ર તેમજ સન્માન રાશિ સાથે માંગલ શક્તિ એવોર્ડ પ્રદાન કરી વંદના થઈ હતી.  બે મહાનુભાવો  કિર્તીભાઈ ભટ્ટ અને  ભાવિન પટેલનું સામાજિક ક્ષેત્રે વિશેષ પ્રદાન હોય તેમનો વિશેષ સન્માન કરવાનો ઉપક્રમ પણ યોજાયો હતો 

       સમગ્ર ગુજરાતના નામાંકિત કલાકારોએ સંતવાણી લોક ડાયરમા રાત્રે  લોકસાહિત્યની રસ લ્હાણ પીરસી હતી. જેમાં કિર્તીદાન ગઢવી, પરસોતમપરીબાપુ, દીપક હરિયાણી,  રામદાસજી ગોંડલીયા, શૈલેષ મહારાજ, રાજભા ગઢવી જીગ્નેશ બારોટ, દેવરાજ ગઢવી, પરેશદાન ગઢવી, ગોપાલ સાધુ, રાજુભાઈ આહીર સહિતના નામી, અનામી કલાકારોએ પોતાની રસપ્રચુર સાહિત્ય વાણીનો લાભ આપ્યો હતો 

   ગુજરાતના રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો તથા ધાર્મિક સ્થાનોના પરમ વંદનીય સંતો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સાહિત્યકાર  મહેશભાઈ ગઢવી એ કર્યું હતું. તેમની સેવાઓ માંગલ શક્તિ એવોર્ડના ચયન માટે પણ મળતી રહે છે. ભગુડા અને આસપાસના વિસ્તારના હજારો શ્રદ્ધાળુ સ્વયંસેવકો આ ઉત્સવને લઈને છેલ્લા એક મસ્તથી તડામારમાં તૈયારીઓ કરી રહ્યાં હતાં. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને જાણીતા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીરે સૌને આવકાર્ય હતા. ટ્રસ્ટીઓ માયુભાઈ કામળીયા, રામભાઈ કામળીયા તથા ટ્રસ્ટીઓ, ગામજનો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત સક્રિય રહ્યા હતા.

Related Posts