ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામનો યુવક તેના કૌટુંબિક કાકા સાથે માણસા તાલુકાના ખરણા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે સાંજના સમયે લીંબોદરા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો તેના કાકાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા જે બાબતે મૃતકના ભાઈએ અકસ્માત સર્જી ભાગી છૂટનાર કાર ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામે પગીવાસમાં રહેતા અને છૂટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૨૭ વર્ષીય સુનિલજી લાલાજી ઠાકોર તથા તેમના કૌટુંબીક કાકા ચિનુજી ગણેશજી ઠાકોર મંગળવારના રોજ સાંજે તેમનું બાઇક લઈ માણસા તાલુકાના ખરણા ગામે રહેતા તેમના બહેનના ઘરે જવા માટે નીકળ્યા હતા
અને જ્યારે તેઓ લીંબોદરા ગામના પાટીયા પાસે પહોંચ્યા તે વખતે સામેથી આવી રહેલ એક કારના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી રહેલા બાઇકને જાેરદાર ટક્કર મારતા બાઈક ચાલક સુનિલજીને માથાના,પગના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું તો મૃતકના કાકા ચિનુજીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ ચિનુજી ને તાત્કાલિક ગાંધીનગર ખસેડયા હતા તો અકસ્માત બાદ કારનો ચાલક પોતાનું વાહન મૂકી ભાગી ગયો હતો જે બાબતે મૃતકના ભાઈએ અકસ્માત સર્જી મોત નિપજાવનાર કારના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments