માણસા શહેરમાં વિજાપુર હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ નજીક આજે ગુરૂવારે સવારે રીદ્રોલ ગામના ભાઈ-બહેન બાઈક લઈને માણસા તરફ આવી રહ્યા હતા. ત્યારે અહીંથી પસાર થઈ રહેલ ટ્રેલર સાથે બાઈકને અકસ્માત થતા બાઈકની પાછળ બેઠેલ ૨૨ વર્ષીય યુવતીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને પ્રથમ માણસા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
જે બાબતે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના રીદ્રોલ ગામે રહેતો યુવક દિવ્યાંશુ લક્ષ્મીનારાયણ પાંડે તથા તેની ૨૨ વર્ષીય બહેન પ્રિયલબેન લક્ષ્મીનારાયણ પાંડે બંને જણા બાઈક લઈ આજે ગુરૂવારે સવારે માણસા પોતાના કામ અર્થે આવી રહ્યા હતા. તે દરમિયાન માણસા શહેરમાં જીઇબી કચેરીથી આગળ પેટ્રોલ પંપ નજીક પહોંચતા સમયે માણસા તરફ જઈ રહેલ એક ટ્રેલર સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકની પાછળ બેઠેલ યુવતી નીચે પટકાતા તેના શરીર ઉપરથી ટ્રેલરના ટાયર ફરી વળ્યા હતા. જેના કારણે ગંભીર ઇજાઓ થવા પામી હતી.
અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવતી અને તેના ભાઈને સારવાર માટે માણસા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં યુવતીને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા જ ૨૨ વર્ષીય પ્રિયલબેનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ માણસા પોલીસને થતા પોલીસે અકસ્માત બાબતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
Recent Comments