fbpx
ભાવનગર

માતાના અર્પણ, તર્પણ અને સમર્પણને બિરદાવતાં વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી

પ્રતિ વર્ષ મે મહિનાના બીજા રવિવારે માતાના અર્પણ, તર્પણ અને સમર્પણને બિરદાવવા માટે વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતીમાં કહેવાય છે કે, ‘મા તે મા બીજા વન વગડાના વા’, ‘ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર’ જેવી ઉક્તિઓ જીવનમાં માતાના મહત્વને ઉજાગર કરે છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે પણ આવું જ કોમળ વ્યક્તિત્વ અને માતૃહ્યદય ધરાવે છે. તેનું જ કારણ છે કે, તેઓએ તેમના જન્મ દિવસની ઉજવણી કરવાં માટે આજે તેઓ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં અચાનક સવારે પહોચ્યાં હતાં અને પી.પી.ઇ. કીટ પહેરીને પોતાના જન્મદિવસની ઉજવણી કોરોના વોર્ડમાં રહેલાં કોરોનાના દર્દીઓ સાથે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે થોડા દિવસ પહેલાં જ કોરોનાગ્રસ્ત થયાં હતાં અને હમણાં જ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમના માટે કોરોના વોર્ડની મુલાકાત લેવી હિતાવહ નથી તેવી ડોક્ટરોની સલાહ છતાં, જ્યારે મારા બાંધવો આવી પરિસ્થિતિમાં હોય ત્યારે મારે તેમને સધિયારો આપવાં જવું જ જોઇએ તેવા માતૃસહજ ભાવથી તેમણે સર ટી. હોસ્પિટલના કેન્સર વોર્ડ અને કોરોના પોઝિટિવ વોર્ડની પી.પી.ઇ. કીટ પહેરીને મુલાકાત લીધી હતી.

કોરોના કાળમાં પોતાના સગાં પણ પોતાના સ્નેહીજનો પાસે જતાં ડરે છે તેવાં માહોલ વચ્ચે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પી.પી.ઇ. કીટ પહેરીને સર ટી. હોસ્પિટલના કોરોના વોર્ડના દર્દીઓના ક્ષેમકુશળ પૂછવાં પહોચ્યાં હતાં.


તેમણે પોતાના જન્મ દિવસની ઉજવણી સર ટી. હોસ્પિટલના કોરોનાના દર્દીઓને ભોજનમાં ચોખ્ખા ઘી ની સુખડી ખવડાવીને કરી હતી. આવી રીતે તેઓ જન્મદિવસની ઉજવણી કરનાર સંભવતઃ પ્રથમ જનપ્રતિનિધિ બન્યાં રહ્યાં છે.

થોડા સમય અભિનેત્રી રાની મુખરજી આવેલી એક ફિલ્મ ‘મર્દાની ’ ની મર્દાનગી સાથે જોડવો પડે તેવો આ અવસર હતો. કોરોના કાળમાં ભલભલાં ભાયડાના પણ કોરોના વોર્ડમાં જતાં હાજા ગગડી જાય છે. તેવા સમયે એક મહિલા મંત્રી તરીકે નારીશક્તિ રૂપે કોરોના પોઝિટિવ વોર્ડમાં જવું તે એક આગવી શક્તિની મિશાલ છે.

ભારતીય સમાજમાં આજે પણ મહિલાઓના કામને મહત્વ નથી અપાતું કે તેમના કામને ઉતરતું ગણવામાં આવે છે તેવા સમયે મંત્રીશ્રીની આ હિંમત અને શક્તિ ભારતીય નારીની શક્તિની આગવી મિશાલ કાયમ કરી છે કે, એક નારી ધારે તો શું કરી શકે ? જે નારી શક્તિમાં આવો ભાવ પડેલો હોય તે જ જીવના જોખમે પોતાના ભાઇભાંડુઓની ખબર લેવાં માટે કોરોના વોર્ડમાં જઇ શકે…. આ રીતે મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે ‘મર્દાની ’ સાબિત થયાં છે.

સામાન્ય રીતે લોકો જન્મદિવસની ઉજવણી ભારે ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ સરળતા સાથે કોઈપણ પ્રકારના દેખાડા વગર ચૂપચાપ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં પહોંચીને કોરોનાના દર્દીઓ વચ્ચે પોતાના જન્મદિવસની સાદાઇથી ઉજવણી કરી પોતાના સરળ અને સંવેદનશીલ વ્યક્તિત્વના દર્શન કરાવ્યાં હતાં.

શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની આ મુલાકાત એટલાં માટે મહત્વની છે કારણ કે, વર્તમાન પરિસ્થિતિમાં દર્દીઓને પાસે જવાનું તો ઠીક તેમના સાથે જોજનો દૂર રહેવાનું લોકો પસંદ કરે છે ત્યારે તેઓ કોરોના દર્દીઓમાં આશ્વાસન, લાગણી,પોતીકાપણું અને પરિવારનો ભાવ જન્મે તે માટે દર્દીઓમાં સમભાવ સાથે મમતા એટલે કે.. પોતાના હોય તેવો ભાવ જન્મે અને કોરોનાના દર્દીઓને સહાનુભૂતિ નહીં પરંતુ સમાનુભૂતિ જન્મે તેવા ઉદ્દેશ સાથે તેઓ કોરોના વોર્ડમાં જન્મદિવસની ઉજવણી કરવાં માટે પહોંચ્યાં હતાં.

તેમણે કહ્યું કે, દર્દીને એમ લાગે કે તેમનું કોઈ છે… તેમને હિંમત મળે.. તેવાં શુભ આશયથી આજે તેમણે અહીં દાખલ કોરોનાના દર્દીઓની મુલાકાત લઇ તેમના ક્ષેમકુશળ પૂછવાં સાથે સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે, તે યોગ્ય રીતે અપાઈ રહી છે, દવાઓ નિયમિત મળે છે, ડોક્ટર દ્વારા કેવી સારવાર અપાય છે તે સહિતની વિગતો દર્દીઓ પાસેથી તેમણે જાણી હતી.

શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ કોરોના કંટ્રોલ રૂમની મુલાકાત લઇ વિડિયો કોલથી કોરોનાના દર્દીઓ અને તેમના સ્નેહીજનો સાથે વિડિયો કોલથી વાત કરી તેમને હોસ્પિટલની સેવાથી આશ્વત રહેવાં અને જલ્દી સાજા થઇ જવાની હૈયાધારણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી ભાવનગરમાં વધી રહેલાં કેસ બાબતે ચિંતિત છે અને ભાવનગર શહેર સાથે ગ્રામ્ય લોકો પણ કોરોનાથી મુક્ત રહે તે માટે તેઓ ઘનિષ્ટ રીતે સક્રિય છે. તેમણે જિલ્લાની સ્થિતિનો તાગ મેળવવાં માટે બે દિવસ પહેલાં જ ઉમરાળા, સિહોર અને વલ્લભીપુર તાલુકાઓની મુલાકાત લઇને ગ્રામ્ય પંથકમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ સર ટી. માં દાખલ કોરોનાના દર્દીઓને કોઇપણ મુશ્કેલી ન પડે, ઓક્સિજનની આપૂર્તિ જળવાઇ રહે, રેમડેસીવિરની સુવિધા મળી રહે, વેન્ટિલેટરની સુવિધા મળી રહે, દર્દીઓને દાખલ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે, તેના સગા વ્હાલાને કોઈ મુશ્કેલી ન પડે તેમજ દર્દીને જમવાથી લઈ સવારના નાસ્તા અને રહેવા સહિતની તમામ બાબતો અંગે વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે.

રાજ્યમંત્રીએ કોરોનાના દર્દીઓને મળી તેમના સ્વાસ્થ્યની વિગતો જાણી હતી અને દર્દીના સગા વ્હાલાઓને મળીને સરકાર તેમની પડખે છે તેમણે માત્ર ચિંતા કરવાની જરૂર નથી તેઓ ભરોસો આપ્યો હતો.
શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આ વિપતકાળમાં લોકોની સાથે રહીને લોકો માટે સતત વણથંભી સેવા ચલાવી રહ્યા છે. ડોક્ટર તથા તબીબી આલમ રાતદિવસ અથાક આપની સેવામાં જોડાયેલાં છે.

તેમણે કોરોના માટે જે કરવું પડશે તે કરીશું…… સુવિધા નહીં હોય તો ઉભી કરીશું…. આ લડતમાં થાકશું નહીં અને હારશું નહીં….. નિરાશ તો બિલકુલ થઈશું નહીં અને બીજાને નિરાશ થવા દઈશું નહીં ના મુખ્યમંત્રીના દ્ઢનિશ્ચયને આગળ વધારવાની ખેવના વ્યક્ત કરી હતી.

તેમની આ મુલાકાત વેળાએ સર ટી. હોસ્પિટલના એચ.ઓ.ડી. શ્રી પાંજવાણી, એડિશનલ ડીનશ્રી ડો. અમિત પરમાર તેમજ સર ટી. હોસ્પિટલના ડોક્ટર્સ તથા પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Follow Me:

Related Posts