માતૃભાષામાં શિક્ષણ-પુસ્તકાલય-પુસ્તકો આપણી કેળવણીના પ્રાણ હોવા જોઈએ: કેન્દ્રીય રાજ્યમંત્રી પરશોતમ ભાઈ રૂપાલા
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આવેલી જીરા પ્રાથમિક શાળાના દોઢસો વર્ષની ઉજવણી નિમિત્તે ‘સાર્ધ શતાપ્દી’ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અત્યાર સુધી શિક્ષણ આપનારા ૩૩ ગુરુજનોનું સન્માન કરી અને ગુરૂવંદના પણ કરવામાં આવી હતી. જીરા સાર્ધ શતાપ્દી મહોત્સવ સમિતિ અને જીરા જન જાગૃતિ સુરત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગામની શાળામાંથી અભ્યાસ કરી અને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને જીરાના ગૌરવસમાંમહાનુભાવોનું, સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતુ કે, બાળકોને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ. આપણે બાળકોને કોઈ પણ ભાષા શીખવાડીએ પરંતુ માતૃભાષા અચૂક શીખવાડવી જોઈએ. માતૃભાષા, પુસ્તકાલય અને પુસ્તકો આપણી કેળવણીના પ્રાણ હોવા જોઈએ. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલાએ નવી શિક્ષણ નીતિ અને તેમાં પણ ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક વિચારોને રજૂ કર્યા હતા. તેઓશ્રીએ વધુમાં કહ્યુ કે, શિક્ષણ માટે અન્ય ભાષા જરુરી છે એટલી જ માતૃભાષા પણ અનિવાર્ય છે. પોતાનું ઉદાહરણ ટાંકતા તેમણે ગુજરાતી ભાષાની કેળવણીને શ્રેય આપ્યો હતો અને કહ્યુ કે, શિક્ષકથી કેન્દ્રીય રાજ્યમંત્રી સુધીની સફર માતૃભાષાની કેળવણીના લીધે ક્યાંય પણ અટકી હોય તેવું બન્યું નથી ઉલટાનું માતૃભાષામાં મળેલા શિક્ષણે તેમના ઘડતરમાં મોટું યોગદાન આપ્યું છે.
મંત્રીશ્રી પરશોતમભાઈએ આ કાર્યક્રમના આયોજન બદલ આયોજકો, ગામનાં પૂર્વ શિક્ષકો, આચાર્યો, માતાઓ-બહેનો અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ગામનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, સંતો, પદાધિકારીઓ અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments